રાજકોટ: અમદાવાદ શહેરના એસ.જી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં 12 જેટલા દર્દીઓની પરવાનગી વિના એન્જિયોપ્લાસ્ટિ કરી દેવાનો આરોપ લાગ્યો છે. ઘટનામાં બે દર્દીઓના મોત થયા છે જ્યારે 5 દર્દીઓ ICUમાં છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ સામે રાજકોટના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલમાં તેના પિતાના ઓપરેશન બાદ તેમનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું છે.
રાજકોટના વિશાલ પટેલ નામના યુવકે જણાવ્યું હતું કે, મારા પિતા નરશીભાઈ પટેલને ગત તા. 16 જૂનના હાર્ટમાં સમસ્યા થતા ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે બાદ તેઓએ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના એનજીઓગ્રાફી અને એનજીયોપ્લાસ્ટિ કરી નાખી. 17 મીએ પિતાને ખૂબ જ તાવ આવતો હોવા છતા રજા આપી દેવામાં આવી હતી.
જ્યારે તેમને એડમિટ કરવામાં આવ્યા ત્યારે અમારી પાસેથી રૂ. 25,000 રોકડા લેવામાં આવ્યા. જે બાદ 18 મી જૂને તેમનું મૃત્યુ થઈ ગયું. મને આઘાત લાગ્યો કે PMJAY સ્કીમના નામે તેઓ પૈસા છાપે છે. જેથી મારી સરકાર પાસે એ જ માગણી છે કે આ પ્રકારની હોસ્પિટલને પેનલ્ટી ફટકારવામાં આવે અને હોસ્પિટલ જ બંધ કરી દેવામાં આવે.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની વિશે વાત કરવામાં આવે તો મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, કડી તાલુકાના બોરીસણા ગામમા ખ્યાતિ હોસ્પિટલ તરફથી એક ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ફ્રી ચેકઅપ કેમ્પમાં 80 થી 90 લોકોની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બોરીસણા ગામના 19 લોકોને સારવાર માટે એમ્બયુલન્સ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા. કુલ 19 માંથી 12 ની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં 12 માંથી બે દર્દીના મોત નિપજ્યા છે.
પરિવારના લોકોના જણાવ્યા પ્રમાણે અગાઉ તેમને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. માત્ર ચેક અપ માટે બોલાવવામાં આવ્યા હતા અને કોઈ પણ પરવાનગી વગર તેમની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી. જેમાં સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. આ ઓપરેશનના PMJAY યોજનામાંથી 1 લાખ 28 હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
નીતિન પટેલે ઘટના પર શું કહ્યું?
સમગ્ર ઘટનાને લઈને મીડિયા સાથે વાત કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે આ જરૂરિયાત વિનાના બિનજરૂરી ઓપરેશન કરવામાં કદાચ આવ્યા હશે. આમાં નિષ્ણાત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જરૂરી છે પણ ઓપરેશન કરી દીધા હોય એનો પણ વાંધો નથી, પરંતુ મૃત્યુ થઈ જાય એ થોડું વધારે પડતું છે. આ થોડું વધારે પડતું લાગે છે, થોડું સારું નથી લાગતું. દેખાઈ આવે છે કે આમા કોઈ ધંધાદારી રીતે દર્દીઓને લાવી દીધા અને દર્દીને જરૂર છે કે નહીં એ પણ હજુ પ્રસ્થાપિત થતું નથી. પરંતુ એક ગામમાં 11થી વધુ દર્દીઓને એન્જિયોગ્રાફી માટે લાવવા. એન્જિયોપ્લાસ્ટી કરી દેવી, એક સાથે બધાના ઓપરેશન કરી દેવા. આ બધું અતિરેક અને બિનજરૂરી લાગે છે.
આ પણ વાંચો: