અમદાવાદ: બોપલમાં થયેલી માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ વિરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ ખુલ્યું છે. આરોપી વિરેન્દ્રસિંહની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં આરોપી પોલીસકર્મીની પુછપરછ બાદ ઘટનાને લઈને સામે આવેલી માહિતી મીડિયાને જણાવી હતી.
પ્રિયાંશુ અને તેના મિત્રએ ગાળ દીધી હતી: આજે પોલીસ દ્વારા વિરેન્દ્ર પઢેરીયાની પૂછપરછ કરવામાં આવી હતી, કે કેમ અને કયા સંજોગો વશ થઈને આ હત્યા કરવામાં આવી હતી, ત્યારે આરોપી દ્વારા તે માહિતી આપવામાં આવી છે. બોલાચાલી ઉગ્ર બની ત્યારે પ્રિયાંશુ અને તેના મિત્ર દ્વારા તેને ગાળ દેવામાં આવી હતી ગુસ્સામાં આવીને તે આ કૃત્ય કરી બેઠો હતો.
વિરેન્દ્રની સાથે કારમાં અન્ય વ્યક્તિ હોવાનો ખુલાસો
ઘટના સમયે વિરેન્દ્ર સિંહની સાથે કારમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડી.કે હાજર હતો. પોલીસે તેની પણ પૂછપરછ હાથ ધરી છે. દિનેશે વિરેન્દ્રને ભાગવામાં મદદ કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ આગળ તપાસ કરી રહી છે
વિરેન્દ્ર પંજાબ પોતાના મિત્રના ઘરે ગયો હતો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબમાં આરોપીનો એક મિત્ર રહેતો હતો, તે મિત્રોના ઘરે તે છુપાવા માટે ગયો હતો. પોલીસ દ્વારા તેના મિત્રની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, અને જો કોઈ તેની પણ ભૂમિકા જણાશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
આરોપી પોલીસ કર્મી વિરેન્દ્ર પઢેરિયારને ઘટના સ્થળ પર લઈ જઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાનુ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન ઘટના કેવી રીતે બની હતી તેની વિગતે તપાસ અને માહિતી પોલીસ દ્વારા મેળવવામાં આવી હતી.
આરોપી સિક લીવ પર હતો, ઘરે કહ્યું ફરવા જાઉં છું.
આરોપી સિક લીવ પર હતો હત્યા કર્યા બાદ તે ઘરે પહોંચી અને ઘરે કહ્યું કે હું ફરવા જાઉં છું તેમ કહીને પંજાબ નાસી ભાગ્યો હતો. પોલિસ તપાસમાં એક અગત્યની કડી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંજાબના સંગ્રુરથી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી પોલીસકર્મી ધરાવતો હતો ગુનાહિત ઇતિહાસ
આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા પોતે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, અગાઉ બે વખત તેને સસ્પેન્ડ પણ કરવામાં આવેલ છે. બાવળામાં કોલ સેન્ટર ખોલી વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતો વર્ષ 2017માં વિરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ કોલ સેન્ટર કેસમાં આવ્યું હતું. બાવળા-સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સના પહેલા માળે દુકાન નં. એ-104થી એ-107માં તા. 1-3-2017ના રોજ રાત્રે રેડ કરી SOGએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા, એક યુવતી તથા બે સગીર સહિત કુલ 13 શખસને ઝડપ્યા હતા અને કુલ રૂપિયા 6,99,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપી કોન્સ્ટેબલને લઈને ઉઠ્યા સવાલો
- આરોપી દ્વારા કયા હેતુથી આ કૃત્ય કરવામાં આવ્યું હતું ?
- અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલ હતા કે કેમ ?
- આરોપીને પંજાબ ભાગવા માટે કોના કોના દ્વારા મદદ કરવામાં આવી ?
- બે વખત સસ્પેન્ડ થયા પછી પણ પોલીસકર્મી કેમ ફરજ બજાવતો હતો ?
- ઘટના વખતે તેના દ્વારા કોઈ કેફી પીણાંનું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ ?
- આ તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
CCTVમાં કેદ થઈ કોન્સ્ટેબલની કાર
પોલીસની તપાસ દરમિયાન ઘટના સમયમાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફુટેજમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયા પુરપાટ ઝડપે કારમાં આવતા દેખાય છે. જ્યારે પ્રિયાંશુ અને તેનો મિત્ર બોપલ સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ મોટર સાયકલ પર નીકળ્યા હતા, ત્યારે સામેથી કાળા કલરની હેરિયર કારમાં સવાર વિરેન્દ્ર સિંહ પઢેરિયાને પ્રિયાંશુ જૈને કાર ધીરે ચલાવવા માટે ટકોર કરી હતી અને બંને મિત્રો આગળ નીકળે છે. પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા વિરેન્દ્રસિંહ પઢેરિયા પોતાની કારનો યૂટર્ન મારે છે અને બુલેટનો પીછો કરે છે, અને જેની ગણતરીની ક્ષણોમાં જ વિરેન્દ્રસિંહ બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરે છે.
આરોપી વિરેન્દ્રસિંહની પંજાબથી ધરપકડ: CCTV ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને ગાંધીનગરની 300 હેરિયર કાર ચેક કરી હતી, જેના દ્વારા સરખેજ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી વિરેન્દ્રસિંહની પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં પોલીસે આરોપી 300 થી 450 જેટલાં સીસીટીવી ફુટેજ તપાસ્યા હતાં તેમજ પ્રત્યક્ષદર્શી મૃતક પ્રિયાંશુ જૈનના મિત્રના વર્ણન અનુસાર આરોપીનો સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
કોણ હતો મૃતક પ્રિયાંશુ જૈન
ઘટનાની રાતે ( 10 નવેમ્બર,રવિવાર) પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર કેમ્પસમાં ઈન્ટરવ્યૂ હોવાના પગલે સૂટ સિવડાવવા માટે બોપલ આવ્યા હતા અને રાતે જમીને તેઓ પોતાની હોસ્ટેલ તરફ જઈ રહ્યાં હત્યા, ત્યારે આ ઘટના ઘટી હતી. 23 વર્ષીય પ્રિયાશું જૈનના પિતા પંકજ જૈન મેરઠમાં એક વ્યવસાયી છે. સંતાનમાં તેમને એક દિકરો પ્રિયાશું અને એક દિકરી છે, આમ પ્રિયાંશુ તેમનો એક માત્ર દિકરો હતો. પ્રિયાંશુ અમદાવાદની માઈકા કોલેજમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને શેલાની હોસ્ટેલમાં રહેતો હતો. પ્રિયાંશુના આકસ્મિક કરૂમ મોતથી તેના પરિવારજનો આઘાતમાં ગરકાવ થઈ ગયાં છે.