અમદાવાદ: ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે મોટા મોટા દાવાઓ કરતી જોવા મળે છે. પરંતુ હવે આની પોલ ખુલી ગઈ છે. ટેકનોલોજીના સમયમાં પણ આરોગ્યની સુવિધાઓ ગુજરાતના છેવાડાના લોકો સુધી હજુ સુધી પહોંચી નથી. હવે જે ઘટના છોટાઉદેપુરની સામે આવી હતી. જેમાં છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે એક પરપ્રાંતી મહિલાને પ્રસૂતી પીડા દરમિયાન તેને જોડીમાં નાખીને પાંચ કિલોમીટર સુધી પરિવારના લોકો ચાલતા હોસ્પિટલ સુધી લઈ ગયા હતા, તે દરમિયાન મહિલાને પ્રસૂતી થઈ ગઈ અને દીકરીને જન્મ આપ્યો અને મહિલા મૃત્યું પામી હતી. જેથી એમ કહી શકાય તેની આ યાત્રા છેલ્લી યાત્રા બની ગઈ હતી. આ મહિલાએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ જીવ ગુમાવો પડ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરી હતી. તેમજ આ ઘટના અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ક્લેક્ટર પાસેથી માંગ્યો જવાબ: આ અંગે સુનાવણી દરમિયાન ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,'આમારું માથું શરમથી ઝુકી જાય છે જ્યારે અમારે મહાત્મા ગાંધી તેમજ લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિએ આવા સમાચાર વાંચવા પડે છે. હાઇકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ પાસેથી આ મામલે ખુલાસો માંગ્યો હતો.
આ ઘટના પર જસ્ટિસ વૈષ્ણવે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે,'અમારું માથું આ ખબરથી શરમથી ઝૂકી ગયું છે.' હાઇકોર્ટે રાજ્યસરકારને ફટકાર લગાવતા કહ્યું કે, 'આપણે વિકાસની મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ સરકાર આવી જગ્યાએ હજુ સુધી રોડ બનાવી શકી નથી. આપણે જમ્મુ કાશ્મીરમાં ટનલ બનાવી શકીએ પણ ગામડાઓને પાંચ વર્ષમાં પણ રોડ નથી આપી શકતા.'
કોઈ મોટી મેડિકલ ઇમરજન્સી આવે તો શું થાય? આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્મિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, 'આ તુરખેડા ગામ કવાંટ તાલુકામાં નર્મદા નદીના કિનારે આવેલું છે, તેમણે ગામની પરિસ્થિતિ અંગે જણાવ્યું કે આ ગામમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો પ્રશ્ન છે. ફક્ત રોડની જ સમસ્યા નથી. ત્યાં કાચા પાકા રસ્તાઓ છે જો આવા સમયે મેડિકલ ઇમરજન્સી જેવી કે હાર્ટ અટેક આવી જાય તો શું થશે? અમદાવાદમાં 108 માં ફોન કરો તો તે તુરંત મળે છે પણ આ ગામમાં એવું નથી.'
ગામ સાત ફળિયામાં વહેંચાયેલું છે: આ અંગેની સુનાવણી દરમિયાન સરકારે જવાબ આપ્યો હતો કે આ બનાવોની જગ્યા અંગેની માહિતી મેળવવામાં આવી છે. મહિલાની ઉંમર 28 વર્ષની હતી અને મૃતક મહિલા અને ત્રણ બાળકો હતા. જેમાં બે છોકરીઓ અને એક છોકરો છે. આ બધા બાળકોની ઉંમર 6 વર્ષ કે તેથી ઓછી છે. જે ગામમાં મહિલા રહેતી હતી તે ગામ પહાડી જંગલ વિસ્તારમાં આવેલું છે. આ ગામ સાત ફળિયામાં વહેંચાયેલું છે. 2049 હેક્ટરમાં આ ફળિયા ઊંચા અને નીચા વિસ્તારોમાં ફેલાયેલો છે. આ ગામની કુલ વસ્તી 1996 છે અને મૃતક મહિલાના ફળિયામાં 97 લોકો રહે છે. આ ગામમાં જવા માટે કાચો રસ્તો છે. આ મહિલાના ઘરથી પ્રાથમિક સારવાર સબ સેન્ટર આશરે 6 કિલોમીટર દૂર આવેલો છે. તો દર્દીને સબ સેન્ટર લઈ જવું કે પ્રાથમિક સારવાર કેન્દ્ર પર લઈ જવાય તે દર્દીની કન્ડિશન પર નિર્ભર હોય છે.
આ મામલે કોર્ટે કહ્યું હતું કે, 'અહીંયાના લોકો પાસે કોઈ સપોર્ટ નથી. જેથી છોટાઉદેપુરના કલેક્ટર પાસેથી વિગતો મંગાવવામાં આવે અને સરકારમાંથી એક વ્યક્તિ મોકલીને ગામની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવે. સાથે જ આવા રિમોટ વિસ્તારોમાં હેલ્થ સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવે. સરકારે આ વિસ્તારના ગ્રાઉન્ડ ફોટોઝ કોર્ટમાં રજૂ કર્યા હતા. સરકારે કહ્યું હતું કે, 'મહિલાની પ્રસવ પીડા અંગે ફોન આવ્યા હોત તો ઓથોરિટી દોડતી ત્યાં પહોંચી ગઈ હોત'. આના પર કોર્ટે કહ્યું હતું કે, 'આવા વિસ્તારોમાં કનેક્ટિવિટીના વધારો કરવામાં આવે.'
આ પણ વાંચો: