અમદાવાદ : એક તરફ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નશાબંધી છે. બીજી તરફ બુટલેગરો બેરોકટોક આતંક મચાવી રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ બેખોફ બની આતંક મચાવ્યો છે.
અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો : અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો ઘાટલોડિયા વિસ્તારમાંથી સામે આવ્યા છે. આ વિસ્તારમાં સ્થિત શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ તલવાર લઈ આવી આતંક મચાવ્યો હતો. ઘાટલોડિયા વિસ્તાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિધાનસભા વિસ્તાર છે અને ભારતના ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે.
શિવમ એપાર્ટમેન્ટમાં તોડફોડ કરી : મળતી માહિતી અનુસાર શિવમ એપાર્ટમેન્ટના B-205 નંબરના ફ્લેટમાં દારૂની મહેફિલ માણી નીચે ઉતરતા લોકોને સ્થાનિકોએ અટકાવ્યા હતા. ત્યારે અસામાજિક તત્વોએ તોડફોડ કરી અને હોબાળો મચાવ્યો હતો. આ ફ્લેટ પંકજભાઈ પટેલ નામના વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે.
તલવાર લઈ આવી આતંક મચાવ્યો : સ્થાનિકોએ પોલીસને જાણ કરવા છતાં પોલીસે યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સાથે જ દારૂના નશામાં યુવતીની છેડતી તેમજ બેઠેલા લોકો પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. છેડતી કરનારને પકડતા અન્ય સાથીઓએ આતંક મચાવ્યો હતો.
પોલીસે કાર્યવાહી : સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘાટલોડિયાના રોહિત ઠાકોર નામના વ્યક્તિએ સાથીઓ સાથે મળી આતંક મચાવ્યો છે. આ આખી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે હવે આ ફૂટેજના આધારે આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.