અમદાવાદ: રાજકોટમાં બનેલ ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં મૃત્યુ પામેલા લોકો વિશે કરુણા અને તેમના પરિવારજનોને સાંત્વના આપવામાં આવી રહી છે. એવા સમયગાળામાં દુર્ઘટના બાદ તંત્ર હવે અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. અને પરિણામે હવે અમદાવાદના 12 ગેમઝોનમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તમામ ગેમઝોનમાં ચેકિંગ શરૂ: રાજકોટના ગેમઝોનમાં ગઈકાલે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વેકેશન દરમિયાન રાજાઓનો મજા માણવા આવેલા 27 લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ ગેમઝોનમાં ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેને પગલે ઉસ્માનપુરા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે. પટેલની અધ્યક્ષતામાં બેઠક ગોઠવવામાં આવી હતી.
કામગીરી માટે ત્રણ ટીમની રચના: આ બેઠકમાં શહેરમાં આવેલા અન્ય 12 જેટલા ગેમઝોનમાં ચેકિંગ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ 12 ગેમિંગ ઝોનમાં મુખ્યત્વે સિંધુ ભવન રોડ, એસજી હાઇવે, વસ્ત્રાપુર ખાતે આવેલા ગેમઝોનનો સમાવેશ થાય છે. અને આ કામગીરી કરવા માટે ત્રણ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ઇજનેર વિભાગ, ટોરેન્ટ પાવર ફાયરબ્રિગેડ, મામલતદાર અને પોલીસ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ પોતે ગેમઝોનમાં થઈ રહેલ અલગ-અલગ કામગીરીની તપાસ કરશે.
વાંધાજનક લાગતા આ ગમેઝોનને બંધ: આ ચકાસણી દરમિયાનઅમદાવાદમાં સિંધુ ભવન ખાતે આવેલ ફન બ્લાસ્ટની પણ ચેકિંગ કરવામાં આવી હતી. જે દરમિયાન અધિકારીઓને વાંધાજનક લાગતા આ ગમેઝોનને બંધ કરવામાં આવ્યું છે. આથી હવે ફાયર બ્રિગેડ દ્વારા તમામ ચકાસણી થઈ ગયા બાદ સેફ્ટી મેજર્સમાં ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે પછીથી જ ગેમઝોન શરૂ કરી શકાશે.
ચેકીંગ દરમિયાન કઇ-કઇ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે? તો તમને જણાવી દઈએ કે, કોઈ પણ ગેમઝોનમાં એક સમયે વધુમાં વધુ કેટલા લોકો હાજર રહી શકે છે, ગેમઝોનને જરૂરી લાયસન્સ છે કે નહીં, પરમીશન મેળવેલ છે કે નહિ, એસ્કેપ રૂટ, એક્ઝિટ ગેટ અને ફાયર સેફ્ટી પાવર લોડ ઉપરાંત ઈલેક્ટ્રિક કેબલ વ્યવસ્થિત ઈન્સ્ટોલ થયેલ છે કે નહીં, અને ગેમિંગ ઝોનમાં ઇન્સ્ટોલ કરેલ પ્રવૃત્તિની મજબૂતી અને ફીટનેસ છે કે નહીં, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બાકીના ગેમઝોન ચકાસણી કરવામાં આવશે.
"માનવ સર્જિત બનાવ એ દુર્ઘટના કહેવાય કુદરતી નહીં": અહી ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યો છે અને સુઓમોટો દાખલ કરી છે. આવતીકાલે હાઇકોર્ટમાં આ સુઓમોટોના આધારે સુનાવણી થશે. કોર્ટે આ સાથે આગાળ જણાવતા કહ્યું છે કે, "માનવ સર્જિત બનાવ એ દુર્ઘટના કહેવાય કુદરતી નહીં." કોર્ટે ઘટના સંદર્ભે કડક વલણ અપનાવતા કહ્યું કે, ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો જીવ લીધો છે. સરકાર દ્વારા આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરાશે.