અમદાવાદ : શહેરમાં ગાડીઓના કાચ તોડી ચોરી કરનાર ગેંગના બે શખ્સને પોલીસે દબોચ્યા છે. શહેરના જાહેર રોડ, ખુલ્લા પાર્કિંગ પ્લોટ, સોસાયટી અને કોમ્પલેક્ષ બહાર પાર્ક કરેલ ફોર વ્હીલર વાહનના કાચ તોડી વાહનમાં રહેલ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થવાના બનાવો વધ્યા હતા.
ગાડીના કાચ તોડી ચોરી : છેલ્લા એક વર્ષમાં ગાડીના કાચ તોડી ચોરી કરતી ગેંગ તરખાટ મચાવી છે. આ પ્રકારની ચોરીના બનાવો બનતા અટકાવવા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેઓના હુકમની ઝોન 1 LCB પોલીસ આ પ્રકારના ચોરીના બનાવ અટકાવવા અને આરોપીઓને પકડવા કાર્યરત હતી.
પોલીસ કાર્યવાહી : જે અંતર્ગત LCB પોલીસ સ્ટાફના કર્મચારીઓની જુદી જુદી ટીમ બનાવી અમદાવાદ શહેર વિસ્તારમાં કાચ તોડીને થયેલ ચોરીના બનાવોની માહિતી એકઠી કરવામાં આવી હતી. ઉપરાંત હ્યુમન અને ટેકનીકલ સોર્સની મદદથી તરખાટ મચાવનારા ગેંગના ઇસમોને શોધવા કાર્યરત હતા. આ દરમિયાન પોલીસને આરોપીઓ અંગે ખાનગી બાતમી મળી હતી.
બે આરોપી ઝડપાયા : બાતમીના આધારે કાર્યવાહી કરી કાચ તોડી ચોરી કરનાર ગેંગના બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉપરાંત આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર, ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 20 થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.