અમદાવાદ: પોલીસ કસ્ટડીમાં આ ચારેય આરોપીઓને છેતરપિંડીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી જલદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, અંકિત પંડ્યા અને હિતેશ સેનની ધરપકડ કરી અત્યાર સુધી કેટલા લોકોને આવી રીતે સરકારી અધિકારીઓ તરીકેના બનાવટી નિમણૂક પત્રો આપ્યા છે? તે અંગે પૂછપરછ કરવા પોલીસ દ્વારા ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, આ આરોપીઓએ નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે બનાવટી નિમણુક પત્રો પણ આપ્યા હતા.
બનાવ અંગે હકીકત એવી છે કે, આરોપીઓ દ્વારા સરકારી નોકરીની લાલચ આપીને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ઉપરાંત પાંચ યુવકોને વિશ્વાસ અપાવવા GPSCના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હોવાનું પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. ઉપરાંત સરકારી અધિકારીઓ માટેની પોસ્ટ માટે આ આરોપીઓ બેથી સવા કરોડની રકમ નક્કી કરતા હતા.
આ કેસમાં ફરિયાદી યોગેશભાઇ પટેલે ક્રાઇમબ્રાંચમાં એવી ફરીયાદ નોંધાવી હતી કે, ચાર વર્ષ પહેલા LLBના એડમીશન માટે તે જીતેન્દ્ર પ્રજાપતિ અને જલદીપ ટેલર સાથે મિરઝાપુર કામા કોમર્શીયલ કોમ્પ્લેક્સમા આવેલી તેમની ઓફિસમાં પ્રથમ વખત મુલાકાત થઇ હતી. એ દરમિયાન જીતેન્દ્ર પ્રજાપતિએ જલદીપનો વકીલ છે અને તે મોટા સરકારી અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં રહી GPSC દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી નોકરીમાં સીધી ભરતી કરાવી આપે છે તેમ ઓળખાણ કરાવેલી હતી. ત્યારબાદ જલદીપે અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટરની એક જગ્યા ખાલી છે તે માટે ફરિયાદી યોગેશને નિમણૂંક અપાવવાનું કહી સવા બે કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરી હતી. જેમા પહેલા એડવાન્સમાં સવા કરોડ રૂપિયા અને નોકરી લાગે તે બાદ એક કરોડ રૃપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી ફરીયાદીએ જલદીપની વાતમાં આવીને ફાઇલ તૈયાર કરવા માટે ડોક્યુમેન્ટ સાથે ક્લાઇન્ટ ફી પેટે રૂપિયા 5 લાખ આપ્યા હતા. જેના થોડા સમય બાદ જલદીપનો માણસ હિતેશ સૈની અને જલદીપે મળીને ફરિયાદીને રૂપિયા 16 લાખ લઇને દસ દિવસમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂંક મળી જશે અને તેના પર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવે સહી વાળો પત્ર આપ્યો હતો.
આમ, યોગેશભાઇને નોકરી નક્કી થયાનું કહીને તેમના અન્ય પરિચીતોને પણ નોકરી જોઇતી હોય તો અપાવી દેવાની ખાતરી આપી હતી. પકડાયેલા આરોપીઓએ ફરિયાદી યોગેશભાઇ પાસેથી નોકરી શરૂ થાય તે પહેલા કરોદ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ સાત મહિના સુધી અલગ અલગ કારણ આપીને યોગેશભાઇને નોકરીમાં હાજર કરાવ્યા નહોતા. એટલું જ નહીં તેમના અન્ય કોઈ મિત્રોને સરકારી નોકરી જોઈતી હોય તો સરકારી નોકરીઓમાં અમુક ખાલી જગ્યાઓ સેટ કરાવી આપવાનુ સમજાવી તેના પેટે પણ પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ફરિયાદી યોગેશભાઇના ભાગીદાર વિજયભાઇ ઠક્કરને વર્ગ-1ની નોકરીમાં વડોદરામાં ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક અપાવવાનું કહીને સવા બે કરોડની ડીલ કરી હતી. જેમાં વિજયભાઇએ રૂપિયા 1.20 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત, અંકિત પટેલને જીએમડીસીમાં આસીસટન્ટ મેેનેજરની પોસ્ટ અપાવવાનું કહીને બે કરોડની રકમ નક્કી કરી હતી. જેમાં તેમની પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. અતુલ પટેલને ગાંધીનગરમાં જોઇન્ટ ડાયરેક્ટરની પોસ્ટ અપાવવાની ખાતરી આપીને ટુકડે ટુકડે 22 લાખ રૂપિયા લીધા હતા. એટલું જ નહિ પણ આ તોડબાઝ ગેંગે તમામને બનાવટી નિમણૂંક પત્રો પણ આપ્યા હતા. જોકે એક વખતે તો જલદીપ અને જીતેન્દ્રએ ફરિયાદીને કલેક્ટર કચેરી લઈ જઈ સાહેબ રજા ઉપર હોવાનું બહાનું કરી દસ દિવસ બાદ નિમણૂક આપવાની વાત કરી હતી. અને બનાવટી નિમણૂક પત્ર આપ્યો હતો.
આટલું જ નહીં પરંતુ હથિયાર જરૂરી હોવાનું કહી લાયસન્સ પેટે પૈસા પડાવી પોસ્ટીંગની ખાતરી આપી હતી. ત્યારબાદ લોકસભાની ચૂંટણીનું કારણ આપીને ખોટા વાયદા કર્યા હતા. આ દરમિયાન વિશ્વાસ કેળવવા માટે ગાંધીનગર જુના સચિવાલયમાં ગામેતી અને અંકિત પંડયા નામના બે વ્યક્તિ સાથે મુલાકાત કરાવીને નોકરીની ખાતરી આપી હતી. જોકે તેમણે ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપ્યાની જાણ થતા ક્રાઇમબ્રાંચમાં જલદીપ ટેલર, હિતેશ સૈની, જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડયા વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, આ ગેંગનો મુખ્ય સૂત્રધાર જલદીપ ટેલર છે. જેની વટવામાં પોતાની ઓફિસ પણ છે. જેથી આરોપીઓને સાથે રાખીને વટવા ઓફિસમાં તપાસ કરતા બનાવટી સ્ટેમ્પ અને અન્ય નિમણૂક પત્રો પણ મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે લેપટોપ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વની બાબત એ છે કે, પકડાયેલ આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ વકીલ છે અને અવિરત લો કોલેજમાં પ્રિન્સિપલ તરીકે પણ ફરજ બજાવતો હતો. જ્યારે આરોપી અંકિત પંડ્યા પત્રકાર તરીકે પોતાનું ન્યુઝ પેપર ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. હિતેશ જલદીપના આદેશ પ્રમાણે રૂપિયા લેવા જતો હતો. હવે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરવા આરોપીને રિમાન્ડ મેળવવા વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: