અમદાવાદ: શહેર પોલીસે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં શહેરમાં બની રહેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ક્રાઈમ કોન્ફરન્સમાં CP, DCP, PI સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનું કહેવું છે કે,શહેરમાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવોમાં ઘટાડો નોંધાયો છે.
આરોપીઓ અને જમીન માફિયાઓ સામે કાર્યવાહી: અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર પબ્લિક ઓરિએન્ટેડ પોલીસીંગ કરાશે, લેન્ડ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને અગામી સમયમાં પણ કરાશે. તો જે આરોપીઓ સામે ગુજસીટોકની કલમ લગાડવા જેવી હશે તેની સામે આ કલમ લગાડવામાં આવશે.
પોલીસ કર્મીઓની બદલી કરાશે: આ સાથે એક જ પોલીસ સ્ટેશનમાં 10 વર્ષથી વધુ સમય ફરજ બજાવતા 4500થી વધુ પોલીસકર્મીઓની બદલી કરી છે. અગામી સમયમાં પણ અન્ય પોલીસકર્મીઓની બદલી કરવામાં આવશે. પોલીસ કમિશ્નરે ગુનાઓની સમીક્ષાને લઈ જે કોન્ફરન્સ યોજી હતી જેમાં સામે આવ્યું છે કે, ચિંટીગના કેસોમાં વધારો થયો છે.લોકો અલગ-અલગ રીતે ચિટીંગ કરી રૂપિયા પડાવતા હોય છે. જેને લઈ સાયબર ક્રાઈમ પણ ઉંડાણપૂર્વક તપાસ કરીને ગુના નોંધતી હોય છે અને ફરિયાદીને રૂપિયા પરત અપાવતી હોય છે.
અમદાવાદ શહેરમાં ક્રાઇમ કાબૂમાં છે: અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ક્રાઈમ કાબુ હેઠળ છે તેવું કહેતા ગર્વ થાય છે.હત્યાના ગુનામાં 33%નો ઘટાડો તો હત્યાના પ્રયાસના ગુનામાં 21% નો ઘટાડો નોંધાયો છે. બળાત્કારની ઘટનામાં 12%નો ઘટાડો છે. આ વર્ષે પોલીસે સૌથી વધારે ગુનાઓનું ડીટેકશન કર્યુ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે.