અમદાવાદ : ફિલ્મોમાં આવતા ખૂન કા બદલા ખૂન ડાયલોગ જેવો જ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. વર્ષ 2002માં પિતાની હત્યા કરનાર વ્યક્તિને પુત્રએ બોલેરોની ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ગત 1 ઓક્ટોબરના રોજ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ પાર્ટી પ્લોટ પાસે એક બોલેરો ચાલકની ટક્કરથી સાયકલ ચાલકનું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે મેસેજ મળતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
હિટ એન્ડ રન નહીં, હત્યા : આ અકસ્માતને લઈને તપાસ કરતા પોલીસને કેટલાક CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા. બાદમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આ અકસ્માત નહીં, પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બોલેરો ચાલકથી આ ટક્કર અજાણતા નહીં, પરંતુ જાણીજોઈને મારવામાં આવી હતી. ટક્કર માર્યા બાદ વાહનચાલક બોલેરો સાથે ફરાર થયો હતો.
22 વર્ષ બાદ બદલો લીધો : સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક અને આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અદાવત ચાલતી હતી. વર્ષ 2002માં મૃતક નખતસિંહ ભાટીએ રાજસ્થાનમાં બોલેરો ચાલક ગોપાલસિંહ ભાટીના પિતાની હત્યા કરી હતી. ત્યારથી બંને વચ્ચે અદાવત ચાલતી હતી. જેમાં 22 વર્ષે ગોપાલસિંહે પિતાની હત્યાનો બદલો લીધો છે. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતની તપાસ દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે. હાલ બોડકદેવ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ અને વધુ કાર્યવાહી શરૂ કરી છે.