અમદાવાદઃ લોકસભા ચૂંટણીના મતદાન અગાઉ 6 મેના રોજ અમદાવાદ શહેર અને ગ્રામ્યની 36 શાળાઓને બોમ્બની ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. મેઈલ મળતાની સાથે જ પોલીસ, બોમ્બ સ્કવોડ, સ્કૂલ એડમિનિસ્ટ્રેશન, વહીવટી તંત્ર એકશન મોડમાં આવી ગયા હતા. સઘન તપાસ બાદ માલૂમ પડ્યું કે આ ધમકી અફવા હતી. પોલીસનો સાયબર ક્રાઈમ વિભાગ આ કેસમાં રાત દિવસ તપાસ કરી રહ્યો હતો. આ કેસની અપડેટ આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મીડિયાને આપી હતી. જેમાં આ કેસમાં પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાની દ્વારા મેઈલ કરાયાઃ અમદાવાદ ક્રાઈમ અને સાયબર ક્રાઈમ દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલાસો થયો છે કે આ મેઈલ પાકિસ્તાનથી તૌહીદ લિયકાત દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઈસમના હમાદ જાવેદ જેવા બીજા નામો પણ સામે આવ્યા છે. પાકિસ્તાનના ફેસલાબાદથી આ તમામ ઈ મેઈલ કરવામાં આવ્યા હતા. જેનું બીજું નામ હમાદ જાવેદ સામે આવ્યું છે. સમગ્ર મેઈલ mail.ru.ડોમેન પરથી કરવામાં આવ્યા હતા.
ભારત વિરોધી પોસ્ટ્સઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, તૌહીદ લિયકાત સોશિયલ મીડિયાથી તે અફવા ફેલાવતો હતો. લોકસભા ચૂંટણી પહેલા નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરવા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી. આ ઉપરાંત ભારત વિરોધી ટ્વિટ(એક્સ) અને વિડીયો પણ પોસ્ટ કરે છે. સ્કૂલોની જે માહિતી ઈન્ટરનેટ પર હોય છે તેના આધારે મેઈલ એડ્રેસ મેળવ્યા હોઈ શકે છે. તેણે જુદી-જુદી સોશીયલ મીડીયા પ્લેટફોમ થકી જેમ કે, ICQ, Snap-chat, Twitter, Roblex” પર જુદી-જુદી ઓળખ ઊભી કરી મેસેજ કર્યા હતા. આ આરોપીનું નામ એક બીજી એજન્સી દ્વારા હનીટ્રેપમાં પણ ખુલ્યું છે. હાલમાં સ્ટેટ આઈ.બી., એ.ટી.એસ., સેન્ટ્રલ આઈ.બી., NTRO & RAW વગેરે એજન્સીના સંપર્કમાં રહી આગળની તપાસ ચાલી રહી છે.