વડોદરા: વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાયો છે. જેમાં વિદ્યાર્થી સંગઠનોએ ફાઇટ ફોર MSU ગ્રૂપ બનાવ્યુ હતું અને યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફિસ સુધી બેનર સાથે રેલી યોજી હતી. આ બાબતે વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી કે અમે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી છે. વહીવટી તંત્ર જિલ્લા તેમજ બહારનાં વિદ્યાર્થીઓનું GCAS પ્રમાણે મેરિટ લીસ્ટ તૈયાર કર્યું છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરી મુજબ પ્રવેશ આપવામાં આવશે. 95% સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ અપાશે.
હાલ 4100 વિદ્યાર્થીઓનું એડમિશન પૂર્ણ: MS યુનિવર્સિટીના વીસીએ જણાવ્યું હતું કે આ મામલે સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિત બધા અગ્રણીઓએ ભેગા થઈને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વડોદરાનાં વિદ્યાર્થીઓ માટે શું કરી શકીએ? વડોદરાના વિદ્યાર્થીઓને કઈ રીતે ઉમેરો કરી સમાધાન આપી શકીએ? આ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, રજૂઆત આવ્યા બાદ ખબર પડી કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. અમે જિલ્લા તેમજ બહારના વિદ્યાર્થીઓનું GCAS પ્રમાણે મેરિટ લીસ્ટ તૈયાર કર્યું છે. જેમાં 4100 વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું છે.
હવે, નવા વિદ્યાર્થીઓ કઈ રીતે એડ થાય તે વિચારવાનું છે. કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો છે. રાઉન્ડ 1 પૂરો થશે ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેશે એ ખબર પડશે. GCAS પોર્ટલ પર ફરીથી પ્રક્રિયા કરાશે. મોટા ભાગનાં વિદ્યાર્થીઓનાં એડમિશન થઈ જશે. તેમણે કહ્યું કે, 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાશે. 95 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવશે. ત્રણ રાઉન્ડમાં એડમિશન કરવામાં આવશે.
રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને પ્રવેશ પ્રક્રિયાનો નિર્યણ કર્યો છે. ગત વર્ષે 50 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળ્યો હતો તો આ વર્ષે કેમ નહિ? તેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, આ વર્ષે પરિસ્થિતિ અલગ છે, આ વર્ષે ધો. 12માં રીઝલ્ટ ઊંચું આવ્યું છે અને વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને નિર્યણ કર્યો છે. અમે બધા વિદ્યાર્થીઓને કેવી રીતે એડમિશન આપી શકીએ.
સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશન માટે 5 ટકાનો વધારો: મધ્ય ગુજરાતની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે, 70 ટકાથી વધારી 75 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. જેથી સ્થાનિક 1400 જેટલા વધુ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર પાસેથી માર્ગદર્શન લેવામાં આવશે અને એ પ્રકારે આગળ વધવામાં આવશે.