સોમનાથ: શનિવારે સવારે સોમનાથ નજીક નવ ધાર્મિક સ્થાનો મળીને કુલ 45 જેટલા દબાણો કે જે સરકારી જમીન પર કરવામાં આવ્યા હતા. તેને દૂર કર્યા બાદ પાછલા બે દિવસથી સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ થયા પછી આજથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ખાલી થયેલી જમીન પર તાર ફેન્સીંગની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાઈ છે.
દબાણ હટાવ કામગીરી બાદ તાર ફેન્સીંગ
સોમનાથ નજીક બે સર્વે નંબર પર ગત શનિવારની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવ ધાર્મિક સ્થળો મળીને કુલ 45 જેટલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શનિવાર સાજ સુધીમાં બંને સર્વે નંબર પરથી તમામ 45 ગેરકાયદેસર બાંધકામો હટાવીને વહીવટી તંત્રએ 102 એકર જમીન ખુલ્લી કરાવી હતી. જેની અંદાજિત બજાર કિંમત 300 કરોડની આસપાસ થવા જાય છે ત્યારે આજે ઘટના સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ થતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ખાલી થયેલા બંને સર્વે નંબર પર તાર ફેન્સીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્રએ સમગ્ર કામગીરીની આપી વિગતો
કાટમાળ દૂર થયા બાદ તાર ફેન્સીંગની કામગીરીનું જાત નિરીક્ષણ કરવા આવેલા જિલ્લા કલેકટર ડી ડી જાડેજા એ બાંધકામો દૂર કરવાને લઈને માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે 20 દિવસ પૂર્વે 15 દિવસની સમય મર્યાદામાં તમામ બાંધકામોને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓએ જવાબ ન પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ પર પંચનામું કરીને દબાણ હટાવવાની કામગીરી તંત્ર કરવા જઈ રહ્યું છે. તેની જાણ જે તે મિલકતનો ભોગવટો ધરાવતા વ્યક્તિઓને કરીને પંચનામા પર તેમની સહી કરાવીને સમગ્ર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે ખુલ્લી થયેલી જગ્યામાં તાર ફેન્સીંગનું કામ આજથી શરૂ થયું છે.
પોલીસ અધિક્ષકે પણ માધ્યમોને આપી વિગતો
દબાણ હટાવવાનું સમગ્ર ઓપરેશન અને સુરક્ષાની જેના પર જવાબદારી છે. તેવા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા એ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે 4:30 કલાકે શરૂ થયેલી કામગીરી તેજ દિવસે પૂર્ણ કરી દેવામાં આવી હતી. રાત્રિના સમયે કેટલાક લોકો દ્વારા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિરોધ કરતા 150 જેટલા વ્યક્તિઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા હતા. ત્યાર બાદ બાંધકામ દૂર થયા બાદ 8 જેટલા વ્યક્તિઓએ સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો અને મેસેજ વાયરલ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાના મામલે તેવા તમામ આરોપીની પોલીસે અટકાયત કરી છે. સાયબર ક્રાઇમને લઈને જિલ્લા પોલીસની સાથે તમામ પોલીસ મથક અને રાજ્યના સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ દબાણ દૂર કરવાના સમયથી સતત નજર રાખવામાં આવી રહી છે. જેને લઈને દબાણ દૂર થયા બાદ કોઈ પણ પ્રકારે સોશિયલ મીડિયામાં ગેરસમજ કે અફવા ફેલાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ ન થાય અને આવો પ્રયાસ કરનાર કોઈ પણ વ્યક્તિ તુરંત પોલીસની પકડમાં આવે તે માટેનું આયોજન પણ જિલ્લા પોલીસે અગાઉથી જ કરી લીધું છે.