નવસારી: શહેરમાં સીધી અને આડકરતી રીતે 1.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. 3700 નું સ્થળાંતર કરાયુ છે. કલેકટરે PC યોજિ માહિતી આપી છે.
નવસારી જિલ્લામાં ગઈકાલે ઉપરવાસનું પાણી પૂર્ણ નદીમાં આવતા નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ કફોડી બની હતી, જેને કારણે કુલ દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ત્રણ તબક્કામાં 3700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, હાલમાં પુરના પાણી ઓસરી જતા રોગચાળાની સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગની ટીમ સહિત NDRF, પાલિકાની ટીમ સાફ-સફાઈમાં જોતરાય છે. નવસારી જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજી નવસારી શહેરની હાલની સ્થિતિ અંગેની માહિતી આપી છે.
નવસારી શહેરમાં ગઈકાલે સવારે 9 વાગ્યેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી. શહેરના શાંતાદેવી વિસ્તાર સહિત દશેરા ટેકરી, ભેંસતખાડા, મિથિલા નગરી, દાંડી,હિદાયત નાગર,વિરાવળ,ચોરામલા મહોલ્લા, રંગૂન નગર, કાશીવાડી, જલાલપોર, શાંતિવન સોસાયટી, કબીલપોર, કાલીયાવડી, કાછીયાવાડી, રિંગરોડ, દાંડીવાડ જેવા વિસ્તારોમાં 10 ફૂટથી વધુ પાણી ભરાયાં હતાં. જેમાં ત્રણ તબક્કામાં શહેરના કુલ 3,700 થી વધુ લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે પાણી ઉતરી જતા સ્થળાંતરિત થયેલા લોકો પોતાના ઘરે રવાના થયા હતા. શહેરમાં સુરત મહાનગરપાલિકા તેમજ નવસારી વિજલપુર નગરપાલિકાના 396 જેટલા સફાઈ કર્મચારીઓ પાંચ જેસીબી મશીન તથા 30 જેટલા વિહિકલ્સ અસરગ્રસ્ત વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરીમાં જોડાયા છે.
આરોગ્યની તકેદારીના ભાગરૂપે 98 જેટલી નાની મોટી ટીમો તથા 17 મોબાઇલ હેલ્થ યુનિટ અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી માટે જોડાઈ છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ મદદમાં જોડાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ચાર ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની સાથે અનાજના ગોડાઉન તથા કરિયાણાની દુકાનો ચકાસવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીની માહિતી આપવા માટે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા ડિઝાસ્ટર કચેરીમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.