નવસારી: શહેરમાં પૂર્ણ નદીના પ્રકોપના કારણે નીચાણવાળા વિસ્તારો દશેરા ટેકરી મિથિલાનગરી શાંતાદેવી રોડ ખાડા જેવા વિસ્તારોમાં સાતથી આઠ ફૂટ પાણી ભરાયું હતું. પરિણામે લોકો પોતાના ઘરો છોડવા માટે મજબૂર બન્યા હતા. હવે પૂરનું પાણી ઓસરી ગયા બાદ નેતાઓની મુલાકાતનો દોર ચાલુ થયો છે.
પૂરગ્રસ્ત લોકોની મુલાકાત: આજે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અલગ અલગ વિસ્તારોમાં ફરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે પૂરગ્રસ્ત લોકોની મુલાકાત કરી અને તેમની વેદના સાંભળી હતી. લોકોએ પણ પોતાની આપવીતી ધારાસભ્ય આગળ રજૂ કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે કેશડોલ માટે સર્વે કરવા આવેલા સર્વેયરો સાથે પણ સર્વે મુદ્દે ચર્ચા કરી હતી.
મીડિયા સાથે વાતચીત દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, "આજે અમે જિલ્લા કોંગ્રેસની ટીમ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જોવા માટે અને પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે નીકળ્યા છીએ."
પરિસ્થિતિનો તાગ મેળવ્યો નથી: તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, "ગઈકાલે મુખ્યમંત્રીને અમે આ મુદ્દે પત્ર પણ લખ્યો છે. જેમાં વહેલી તકે પૂરગ્રસ્ત લોકોને કેસડોલ ચૂકવવામાં આવે સાથે જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવે, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કે નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની આ પરિસ્થિતિનો તાગ મેળવ્યો નથી. ઉપરાંત આ વિસ્તારમાં આવીને તેઓએ જોયું પણ નથી. જેથી અમે સમસ્ત પરિસ્થિતિને લઈને આવતી કાલે 12 વાગ્યે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટે જવાના છીએ."
સતત વહીવટી તંત્ર સાથે સંકલનમાં: જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરા લાલે અનંત પટેલે કરેલા આક્ષેપો સામે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "છેલ્લા બે દિવસથી નવસારીમાં પૂરની સ્થિતિ હતી. જેમાં અમે અમારા કાર્યકર્તાઓ સાથે અને અધિકારીઓનું સંકલન કરી સતત પુરગ્રસ્ત પીડિતોની મદદ માટે ખડે પગે રહ્યા છીએ. તેઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરી છે અને સતત વહીવટી તંત્ર સાથે સંકલનમાં છીએ. વહીવટી તંત્રએ પુરગ્રસ્ત લોકોને પ્રથમ કેસડોલ પણ ચૂકવી દીધું છે."
લોકોને મદદ કરવાની જરૂર છે: તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "જ્યારે કોંગ્રેસ આવા કપરા સમયે રાજનીતિ કરી રહી છે તે ખૂબ નિંદનીય બાબત છે. તેમણે લોકોને મદદ કરવાની જરૂર છે અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં છીએ પુર પીડિતો માટે જે કંઈ પણ વ્યવસ્થા બાકી છે તે પણ અમે અધિકારીઓના સંકલનમાં રહીને પૂરી કરીશું."