જૂનાગઢ : ગઈકાલ 1 ઓગસ્ટના રોજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શાસનના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. આજે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને ભાજપના સત્તાકાળ દરમિયાન કરવામાં આવેલા કાર્યોના હિસાબ દો જવાબ દો અંતર્ગત આવેદનપત્ર પાઠવીને 1,560 કરોડના કામો પર સવાલ ઉભા કર્યા છે.
ભાજપની સત્તાના પાંચ વર્ષ પૂર્ણ : ગઈકાલે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે સત્તાના પાંચ વર્ષ પૂરા કર્યા છે. આજથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદાર એટલે કે કમિશનરની સત્તાનું શાસન શરૂ થયું છે. ભાજપના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલા અંદાજિત 1,560 કરોડના વિકાસના કામોનો હિસાબ દો જવાબ દો અંતર્ગત વહીવટદાર એટલે કે કમિશનર પાસે જવાબ માંગ્યો હતો.
કોંગ્રેસ પક્ષે આવેદનપત્ર પાઠવ્યું : જૂનાગઢ કોંગ્રેસે કમિશનરને આવેદનપત્ર પાઠવીને ભાજપના પાંચ વર્ષમાં શાસન દરમિયાન કરવામાં આવેલા કામોનો હિસાબ માગ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને રેલી સ્વરૂપે આવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા પાંચ પાનાના આવેદનપત્રમાં પાછલા પાંચ વર્ષમાં કરવામાં આવેલા વિકાસના કામો પર અનેક શંકાઓ ઉપસ્થિત કરાઈ છે.
હીરાભાઈ જોટવા દ્વારા ભાજપ પર આક્ષેપ :
પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાએ ભાજપના પાંચ વર્ષના શાસનને કુશાસન સાથે સરખાવીને ભાજપ અને પાંચ વર્ષ પૂર્ણ કરેલ સત્તાધીશોને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, પાંચ વર્ષ સુધી સત્તા સંભાળ્યા બાદ જ્યારે ચૂંટણીનો સમય આવ્યો ત્યારે ચૂંટણી ઇરાદાપૂર્વક પાછળ ઠેલીને લોકશાહીનું પણ હનન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પાંચ વર્ષ દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન એટલી હદે ખરાબ હતું કે ભાજપના સંગઠન દ્વારા અત્યારે જો ચૂંટણી કરવામાં આવે તો ભાજપનો કારમો પરાજય થાય તે પ્રકારની સ્થિતિ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળે છે.
જેથી ભાજપ અને રાજ્ય સરકારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પાછી ઠેલવાનું કારસ્તાન કર્યું છે. પરંતુ જ્યારે પણ કોર્પોરેશનની ચૂંટણી આવશે ત્યારે જૂનાગઢનો મતદાર ભાજપના પાછલા પાંચ વર્ષના શાસનકાળને ધ્યાને રાખીને મતદાન કરીને ફરી એક વખત કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા પરત લાવશે.