ડાંગ: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સાપુતારા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાયો છે. ધરતીપુત્ર કૃષિથી ખીલી ઉઠ્યા હતા. જ્યારે લોકમાતા અંબિકા અને ખાપરી નદી વરસાદી પાણીથી ખળખળ વહેતી થઈ હતી. સાપુતારા સહિત ઉપરવાસમાં વરસાદને પગલે અનેક ઝરણાં સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગિરિમથક સાપુતારા ડુંગરોની હવેલી વચ્ચે ગિરિકંદરામાં ગાઢ ધુમ્મસની ચાદર પાથરાઈ છે. ત્યારે આનંદ માણવા આવેલા પ્રવાસીઓને પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલ અદભુત નજારો જોવાનો અનેરો અવસર પ્રદાન થાય છે. પ્રકૃત્તિની સુંદરતા પ્રવાસીઓ ડાન્સ કરીને પણ માણી રહ્યાં છે.
ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાક દરમિયાનના વરસાદના આંકડા
- આહવા તાલુકામાં 154 મી.મી (મોસમનો કુલ 706 મી.મી)
- વઘઇમાં 185 મી.મી (મોસમનો કુલ 868 મી.મી)
- સુબીરમાં 135 મી.મી (મોસમનો કુલ 615 મી.મી)
- ડાંગમાં સરેરાશ 158 મી.મી (મોસમનો કુલ 729.67 મી.મી)
- જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન 89 મી.મી વરસાદ નોંધાયો છે.
જિલ્લા પંચાયત હસ્તકના વઘઇ તાલુકાના પાંચ જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધાયા છે. જેમાં ખાતળ ફાટકથી ઘોડી રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સુસરદા વી.એ.રોડ, ઘોડવહળ વી.એ.રોડ, આહેરડી-બોરપાડા રોડ તેમજ ક્યાંક કોઝ-વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ટોપિંગ થવાથી અવરોધાયા છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી
- જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક કરવા નહિ
- જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી કરવી નહિ
- નદી-નાળા-કોતરો કે જળધોધમા ઉતરવું નહિ
- વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર થવું નહીં
- ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ કરવો નહિ
- કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવો
- વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા