સુરેન્દ્રનગર : ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં પોલીસ પકડમાં આવ્યા બાદ જામીન ન મળતા ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને આખરે ATS ટીમે દબોચી છે. નીતા ચૌધરી મૂળ બનાસકાંઠા જિલ્લાની છે, જે હાલ કચ્છમાં નોકરી કરતી હતી. જેની ATS ની ટીમે બાતમીના આધારે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના એક ગામમાંથી ધરપકડ કરી છે.
શું હતો મામલો ? નીતા ચૌધરીએ એક બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારી પર જ ગાડી ચડાવી હતી. જે બાદ ફાયરિંગ કરી પોલીસે તેની અને બુટલેગરની ધરપકડ કરી હતી. જોકે થાર ગાડીની તલાશી લેતા તેમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. જે બાદ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર સામે કચ્છના ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
હાઇકોર્ટમાં જામીન અરજી : સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘરે પહોંચી હતી. પરંતુ, તે ઘરે ન મળતા પોલીસે નીતા ચૌધરીની તપાસ શરુ કરી હતી. નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.
ક્યાં છુપાઈ હતી નીતા ? નીતા ચૌધરીના આગોતરા જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ ગુજરાત ATS ટીમે ફરાર નીતા ચૌધરીની ધરપકડ કરી છે. નીતા ચૌધરી સાથે આરોપી બુટલેગરની સાસરીમાં છુપાયેલી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ઝડપી પાડી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
"નીતા ચૌધરીને જામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી તે પકડાયેલા બુટલેગરની સાસરી લીંબડીમાં છુપાઇ હતી. આ અંગે અમને બાતમી મળતા ATS ટીમે લીંબડી ખાતેથી આરોપી નીતા ચૌધરીની ધરપકડ કરી છે. હવે તેની કસ્ટડી કચ્છ પોલીસને સોંપવામાં આવશે." -- સુનિલ જોષી (DIG, ATS)
નીતા ચૌધરીનું વિવાદિત જીવન : પાલનપુર તાલુકાના મોરિયા ગામની નીતા ચૌધરીએ બાદરપુરાના વિરસંગ ચૌધરી સાથે ઘરેથી ભાગી જઈ અને કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે તે બાદ નીતા ચૌધરીના પરિવારજનોએ તેની સાથે નાતો તોડ્યો હતો. ત્યારબાદ નીતા ચૌધરી કોન્સ્ટેબલ તરીકે ગાંધીધામમાં લાગી હતી. નોંધનીય છે કે, નીતા ચૌધરી પહેલેથી જ વિવાદમાં હતી.
પતિ પણ રાજકીય વગ ધરાવતો : નીતા ચૌધરીના પતિ વીરસંગ ચૌધરી રાજકીય વર્ગ ધરાવતા હોવાના કારણે નીતા ચૌધરી ખુલ્લેઆમ કાયદાના નીતિ નિયમોને નેવે મૂકી પોલીસમાં સરકારી નોકરી કરતી હતી. સાથે જ અલગ અલગ પ્રકારની રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતી હતી. પોતે અવનવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરતી હતી, તેના પગલે આજે પણ તેના સારા એવા ફોલોવર્સ પણ છે.
હિરોઈન જેવી લાઈફ સ્ટાઇલ : બોલીવુડ હિરોઈનને પણ ટક્કર મારે તેવી નીતા ચૌધરીની લાઈફ સ્ટાઇલ છે. ક્યારેક હેલિકોપ્ટર તો ક્યારેક મોંઘીદાટ ગાડીઓમાં તે રિલ્સ બનાવતી નજરે પડતી હતી. સતત રિલ્સ બનાવી ફોલોવર્સની પસંદીદા બનેલી આ લેડી કોન્સ્ટેબલ હવે ખાખીની પકડમાં આવી છે. જોકે તેમ છતાં તેના ચહેરા પર જરાય ટેન્શન દેખાતું નથી. આજે પણ તે બદલાઈ નથી, હજુ એણે જાણે કોઈ જ ખોફ નથી.