ગીર સોમનાથ : ઉના નજીક માંડવી ચેકપોસ્ટ પર દીવથી પરપ્રાંતિય દારૂ પસાર કરવાના ઉઘરાણા કેસમાં પાછલા એક મહિના કરતાં વધુ સમયથી ફરાર ઉના પોલીસ સ્ટેશનના PI એન. કે. ગોસ્વામી નાટ્યાત્મક રીતે રાજકોટ ACB માં હાજર થયા હતા. હાલ તેમની ધોરણસર અટકાયત કરવામાં આવી છે.
માંડવી ચેકપોસ્ટ પર તોડકાંડ : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માંડવી ચેકપોસ્ટ પર સંઘપ્રદેશ દીવમાંથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી હોવાની વિગત મળતા જ રાજ્ય પોલીસ અને ACB વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. એક મહિના પૂર્વે દારૂની ગેરકાયદેસર હેરાફેરીના બદલામાં રૂપિયા પડાવતા શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં સમગ્ર ઉઘરાણું ઉના પોલીસ સ્ટેશનના PI એન. કે. ગોસ્વામી દ્વારા કરવામાં આવતું હોવાની હકીકત સામે આવી હતી.
PI ગોસ્વામીએ સરેન્ડર કર્યું : જોકે આ દરમિયાન પીઆઈ ગોસ્વામી તે દિવસથી પોલીસ ચોપડે ફરાર બતાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન ફરાર PI એન. કે. ગોસ્વામીએ આગોતરા જામીન અરજી પણ કરી હતી. જેમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે અને આગોતરા જામીન અરજી રદ થતાં ફરાર PI એન. કે. ગોસ્વામી રાજકોટ ACB કચેરીએ હાજર થતા તેની અટકાયત કરી છે.
ગેરકાયદેસર કામમાં પોલીસ સંડોવણી ? ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માંડવી ચેકપોસ્ટ સંઘપ્રદેશ દીવને જોડતી પોલીસ ચેકપોસ્ટ છે. રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ગુજરાતની તમામ ચેકપોસ્ટ પાછલા કેટલાક વર્ષોથી બંધ કરી દેવામાં આવી છે. કેટલાક બુટલેગર સહિત પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ પણ તેનો ગેરલાભ લઈ રહ્યા છે.
પોલીસ કાર્યવાહી : ફરાર પીઆઈ એન. કે. ગોસ્વામી રાજકોટ ACB સમક્ષ હાજર થયા છે. હવે તેને ઉના કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. એમ.કે. ગોસ્વામીએ આગોતરા જામીન મેળવવા અનેક ધમપછાડા કર્યા હતા. પરંતુ અંતે આગોતરા જામીનની અરજી પણ સ્વીકાર્ય નહીં થાય તેને ધ્યાને લઈને તેમણે અરજી પરત ખેંચી હતી.