મહીસાગર: જિલ્લાના લુણાવાડા ખાતે ડેડીયા પાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નજીકના દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી તેમજ સ્થાનિક પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અંગે ચૈતર વસાવાએ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં શિક્ષણ-શાળાના પ્રશ્નો, મામલતદાર કચેરીઓમાં જાતિના દાખલા માટે પડતી મુશ્કેલી, લોકોને પીવા માટે પાણીની સમસ્યા, દરેક બાબતોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સાથે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ મુદ્દે લડશે તેમ જણાવ્યુ હતું.
એક ઓરડામાં 65 જેટલા બાળકો ભણે છે: ચૈતર વસાવાએ કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં જણાવ્યુ હતું કે, "આજે અમે મહીસાગર જિલ્લાની મુલાકાતે છીએ, લુણાવાડા ખાતે અમારા પદા અધિકારીઓ સાથે બેઠક યોજી છે. અહીંની ઘણી સમસ્યાઓ હતી, ઘણા પ્રશ્નો હતા. અને આજે અમે બધા મળીને એ બાબતે વિસ્તૃત ચર્ચાઓ પણ કરી છે. એક આગેવાને જણાવ્યું છે કે, તેમના ગામમાં 1 થી 8 ધોરણમાં 65 જેટલા બાળકો ભણે છે પરંતુ તેમના પાસે માત્ર એક જ ઓરડો છે. અને આ એક ઓરડામાં 65 બાળકોને બેસાડીને ભણાવે છે. જે એક ગંભીર સમસ્યાઓ છે. નોંધનીય બાબત એ છે કે આપણા શિક્ષણ મંત્રી આ જ વિસ્તારથી હોય છતાં અહીં શાળાઓમાં શિક્ષકો નથી, બેસવાના ઓરડાઓ નથી.
તમામ કચેરીઓ ભ્રષ્ટાચારથી ગળા ડૂબ: અન્ય બાબતો પર ચર્ચા કરતાં મિત્રોની રજૂઆતો છે કે, અહીંયા નાનામાં નાના કામો કરાવવા માટે પણ મામલતદાર કચેરીઓમાં જાતિના દાખલાઓ, આવકના દાખલાઓ, તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓમાં પણ લાઇન ઉપર ઊભું રહેવું પડે છે. નાના મોટા પૈસાના ચુકવ્યા પછી જ કામો થાય છે. સાથે નલ સે જલમાં કરોડો રૂપિયાના બિલો બની ગયા છે ચુકવણી પણ થઈ ગઈ છે પણ નળોમાંથી હજુ લોકોને પીવાનો પાણી મળ્યું નથી. સાથે મનરેગા યોજનાનો હેતુ જે બિનકુશળ શ્રમિકોને રોજગાર આપવાનો છે છતાંય, અહીંયા બહારથી આવેલી એજન્સીએ મટીરીયલ નાખવાના નામે એક પણ ગાડી મટીરીયલ નાખી નથી અને કરોડો રૂપિયાની ચુકવણી થઈ ગઈ છે. આમ ગામ હોય, વન વિભાગ હોય, તમામ કચેરીઓ ભ્રષ્ટાચારથી ગળા ડૂબ થઈ ગઈ છે.
આમ આદમી પાર્ટી ગઠબંધન: વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, "મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો અહીંના નેતાઓના આશીર્વાદ થકી જ થતા હશે, નેતાઓ, એજન્સીઓ, અધિકારીઓની મિલીભગતથી જ ખૂબ મોટા કૌભાંડો અહીંયા થઈ રહ્યા છે. ત્યારે હવે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં તમામ લોકોના પ્રશ્નોને વાંચી આપવાનું કામ કરશે. આવનારી નગરપાલિકાએ લુણાવાડા હોય બાલાસિનોર હોય કે સંતરામપુર હોય તમામ નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી ગઠબંધન કરી સાથે રહીને લડશે. અને ગઠબંધન નહીં હશે તો પણ સ્વેચ્છાએ લડશે.
કલેક્ટરશ્રીને એક લેટર લખ્યો હતો: આગળ જણાવતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે, "સંગઠનના નિર્માણ માટે આવનારા ગુરુવારે એટલે કે 25 તારીખે પણ અહીંયા મારો પ્રદેશ પ્રમુખથી લઈને તમામ ટીમ સાથે કાર્યક્રમમાં પણ છે. શાળાઓ અને તેમના અભ્યાસ વિષે પણ તેમણે વાત કરી છે. ઉપરાંત તેમણે વિસ્તારમાં થતાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણો વિષે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, હમણાં જ માન્ય કલેક્ટરશ્રીને એક લેટર લખ્યો હતો અને તેમ તમામ વિગતો માંગી હતી.