સુરત : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) રા કરવામાં આવેલી ધરપકડ બાદ સુરતમાં તેના પડઘા જોવા મળ્યા છે. ધરપકડના વિરોધમાં આ વખતે માત્ર આમ આદમી પાર્ટી જ નહીં પરંતુ કોંગ્રેસ પણ સામેલ રહી હતી. સુરત સહિત રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં આપના કાર્યકરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ કેજરીવાલના સમર્થનમાં અને મોદી સરકારના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. સુરત શહેરના પાટીદાર વિસ્તાર ગણાતા વરાછામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં પોલીસે 20 થી વધુ લોકોની અટકાયત પણ કરી હતી. અટકાયત દરમિયાન કાર્યકર્તાઓ સાથે પોલીસના ટીંગાટોળીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત: આ સમગ્ર મામલે ડીસીબી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે કોઈ પણ પરવાનગી વગર લોકો ભેગા થઈ વિરોધ કરી રહ્યા હતા હાલ ચારથી વધુ લોકો એકત્ર થાય તેની ઉપર પ્રતિબંધ છે. ચૂંટણી જાહેર થતાં જ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. કોંગ્રેસ અને આપના સમર્થકો એકસાથે એકત્ર થયા હતા જેથી તેમની અટકાયત કરવામાં આવી હતી આશરે 20 થી વધુ લોકોની અમે અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં આપ નેતાઓની અટકાયત: કેજરીવાલની ધરપકડના વિરોધમાં રાજકોટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાવા ,પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ,ખેડૂત નેતા રાજુ કરપાડા સહીત કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
ભાવનગરમાં આપ-કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: દિલ્હીના કેજરીવાલને ED દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરતા તેના પડઘા ભાવનગર શહેરમાં પડ્યા છે. ભાવનગર ઘોઘાગેટ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પોલીસે ડ્રાર્ક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ત્યારે લોકસભા ઉમેદવારની પણ અટકાયત કરી હોવાની ખુદ ઉમેદવારે કબૂલાત આપી હતી.
રસ્તા પર બેસીને કાર્યકર્તાઓનો વિરોધ: ઘોઘાગેટ ચોક ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયત કરવાની શરૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરોએ રસ્તા ઉપર આકરી ગરમી વચ્ચે બેસીને પોતાનો વિરોધ નોંધાયો હતો. ત્યારે અન્ય કાર્યકર્તાઓને પણ પોલીસે અટકાયત કરવા માટે ટીંગાટોળી કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવી પડી હતી. આશરે 25 થી વધારે જેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર અને નેતાઓની અટકાયત કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.
રાજકોટના ઉપલેટામાં આપ-કોંગ્રેસનો હલ્લાબોલઃ આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા કેજરીવાલને જેલ મોકલવાની ઘટનાના વિરોધના ભાગરૂપે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવીને કાર્યકરોએ સરકારની નીતિ સામે વિરોઘ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ આકરા શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢી હતી.