અમદાવાદ: કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહેમદ પટેલ જ્યાંથી આવતા એ ભરુચ લોકસભા બેઠક પર ચૂંટણી પૂર્વે રાજકીય ધમાસણ સર્જાયું છે. ગુજરાત અને દિલ્લીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનની જાહેરાતને 24 કલાક નથી થયા ત્યાં જ ભરુચ લોકસભા બેઠક પર ગઠબંધનનો વિરોધ સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદે ટ્વીટ કરીને કર્યો છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી શુક્રવારે દિલ્લી ખાતે પોતાની ટિકિટ મેળવવા કોંગ્રેસ મોવડી મંડળના ચક્કર લગાવી રહ્યાં છે ત્યારે ભરુચ લોકસભા બેઠકને લઈ રાજ્ય અને દેશમાં રાજકારણ ગરમાયું છે.
ભરુચ લોકસભા બેઠક પર ગઠબંધન નામે ધમાસણ કેમ?
ગત મહિને આપ સુપ્રિમ અરવિંદ કેજરીવાલે ભરુચ જિલ્લાની મુલાકાતે આવી રાજ્યમાં લોકસભા બેઠક પરના સૌથી પહેલા ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત કરી કોંગ્રેસ-આપ ગઠબંધનની શક્યતા અંગે પણ પ્રશ્નો સર્જ્યા હતા. આપે ગુજરાતમાં ભાવનગરથી ઉમેશ મકવાણા અને ભરુચ લોકસભા બેઠક વિસ્તારની ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરાત કરી રાજ્યનો પહેલો ઉમેદવાર જાહેર કર્યો હતો. સવાલ એ છે કે, ભરુચ લોકસભા બેઠક પર રાજકીય ઘમાસણ કેમ છે. તો જવાબ સ્પષ્ટ છે કે, ભાજપમાં વર્તમાન સાંસદ મનસુખ વસાવા સામે અસંતોષ છે. ભરુચ બેઠક પર આદિવાસી, મુસ્લિમ અને અનુસૂચિત જાતિના મતદારોનું ધ્રુવીકરણ સર્જાય તો બિન-ભાજપીય પક્ષ માટે વિજયની આશા બંધાઈ શકે છે. ભરુચ જિલ્લાના દહેજ, વિલાયત, અંકલેશ્વર જંબુસર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. અનેક રાષ્ટ્રીય પ્રોજક્ટનું હબ હવે ભરુચ લોકસભા બેઠકનો મતવિસ્તાર બને છે એ જોતા તેનું રાજકીય મહત્વ વધ્યું છે. એક તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાની ટિકિટ કપાવા અને તેમની સામેના અસંતોષના કારણે કોંગ્રેસ પોતાની રી-એન્ટ્રી કરવા માંગે છે.
અહેમદ પટેલના પૂત્ર ફૈઝલની ટ્વીટ ઘણું કહી જાય છે
કોગ્રેસના એક સમયના સર્વેસર્વા અને ગાંધી કુટુંબના રાજકીય સલાહકાર અહેમદ પટેલના પૂત્ર ફૈઝલ અહેમદે શુક્રવારે ટ્વીટ કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધન નો વિરોધ કર્યો છે. ફૈઝલ પટેલે પોતે ટ્વીટ કરી INDIA ગઢબંધનના મહત્વના સ્વીકાર્યું છે. પણ ભરુચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચેના ગઠબંધનને પોતાનું અને કોંગ્રેસ કાર્યકરોનું સમર્થન નહીં મળે એમ કહીને બેઠક પર પોતાની દાવેદારી નોંધાવી છે. ફૈઝલ અહેમદે ટ્વીટમાં કોંગ્રેસ ભરુચ ખાતે મજબુત છે એવા સૂર સાથે કહ્યું કે, કોંગ્રેસ માટે ભરુચ જિલ્લામાં જીત મેળવવી સરળ રહેશે. ભરુચ જિલ્લામાં ડેડીયાપાડાની એક માત્ર વિધાનસભા બેઠક પર આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે. આમ આપની તાકાત જિલ્લામાં ફકત એક જ બેઠક પર છે. 2022થી આપ પાર્ટીનો ગ્રાફ નીચે આવ્યો છે. હું માનું છું કે, ભરુચ લોકસભા બેઠક કોંગ્રેસને મળવી જોઇએ. જો કોંગ્રેસને ભરુચ લોકસભા બેઠક નહીં ફળવાય તો હું INDIA ગઠબંધનને સમર્થન નહીં આપું. એક મહિનામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી પસાર થશે. ત્યાં કોંગ્રેસ પરિવારના જ સભ્યો કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિર્ધારીત INDIA ગઠબંધનને પોતાની રાજકીય રોટલી શેકવા માટે અસ્વીકાર કરી કોંગ્રેસ મોવડી મંડળ સામે પડકાર સર્જે છે.
ભરુચ લોકસભા બેઠક પર 40 વર્ષથી કોંગ્રેસ કદી જીતી નથી
ગુજરાતમાં કચ્છને બાદ કરતાં સૌથી વધુ મુસ્લિમ મતદારો ધરાવતી ભરુચ લોકસભા બેઠક પર છેલ્લાં 40 વર્ષથી સતત કોંગ્રેસ હારતી અને ભાજપ જીતતી આવી છે. 1977 થી 1984ની સતત ચાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલની જીત થઈ હતી. 1989માં ભાજપના ચંદુ દેશમુખે ત્યાર બાદની 1989 થી 1998ની સળંગ ચાર ચૂંટણી જીતીને ભાજપનો દબદબો સ્થાપ્યો હતો. 1998 બાદની સળંગ 2019 સુધીની સળંગ છ ચૂંટણીઓમાં ભાજપના મનસુખ વસાવાની એકચક્રી જીત નોંધાઈ છે. કોંગ્રેસ પાસે ભાજપના મનસુખ વસાવાને પડકાર પણ આપી શકે એવો એક પણ ઉમેદવાર પણ મળ્યો નથી. 2019ની લોકસભા ચૂંટણીમાં મનસુખ વસાવા 3.34 લાખ અને 2014માં 1.53 લાખ મતથી વિજય પ્રાપ્ત થયો હતો. કોંગ્રેસ માટે 2024માં ભાજપને પડકાર આપવો પણ મુશ્કેલ હોય તેવું જણાય છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી મતદારો પર સારું પ્રભુત્વ ધરાવે છે. જો ચૈતર વસાવાને મુસ્લિમ, અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના મતો મળી જાય તો ભાજપનો ચાર દાયકાનો દબદબો તૂટી શકે છે. હાલ ફૈઝલ અહેમદ પટેલ કરતાં ભરુચ લોકસભા બેઠકના વિસ્તારમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા વધુ છે. કોંગ્રેસ-આપનું ગઠબંધન રચાઇ શકે અને અહેમદ પટેલ પરિવારનો ગઠબંધનને સાથ મળે તો ભરુચ લોકસભા બેઠક પર ભાજપ માટે આકરા ચઢાણ સાબિત થઇ શકે છે.