કચ્છ: ભુજ તાલુકાના માનકુવા પોલીસ મથકના બાથરૂમમા એક યુવાનના આપધાતે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી છે. માનકુવાના અશોક કોલી અને હરજી કોલી વેલાજી કાસમ કોલી નામના યુવકને પોલીસ મથકે લાવ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ યુવક બાથરૂમ જવાનુ કહી બાથરૂમના ફુંવારામાં પોતાના ટીસર્ટ વડે લટકી ગયો હતો.
યુવકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો: યુવક બાથરૂમમાં ગયો પછી પરત ન આવતા પોલીસને કાઇક અજુગતુ થયુ હોવાનું લાગતા પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપધાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતુ. યુવકના આપઘાત બાદ મૃતકના પરિવારે આક્રદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. એક સમયે મામલો ગરમ બનતા પોલીસને પણ બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પરંતુ પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: પોલીસ સ્ટેશનની અંદર જ યુવકના આપધાતને પગલે પોલીસ બેડામાં પણ દોડધામ મચી જવા પામી હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ માનકુવા પોલીસ સ્ટાફ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા તપાસમાં જોડ્યા હતા. મૃતક યુવકના પરિવાર લાશ ન સ્વીકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે પોલીસ સાથે પણ ધર્ષણ સર્જાયુ હતુ અને પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ જનરલ હોસ્પિટલમાં પરિવારે લાશ સ્વીકારી ના હતી.
પોલીસે કસ્ટોડિયલ ડેથ ના હોવાનું જણાવ્યું: આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે યુવક કસ્ટડીમા ન હતો. આ કસ્ટોડિયલ ડેથ ન હોવાનું કહી સમાજના આગેવાનો લાવ્યા હોવાનુ જણાવીને સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે આત્મહત્યાના બનાવને લઇ યુવકના સમાજ અને પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવક પોલીસ કસ્ટડીમાં ન હતો પરંતુ પોલીસ સ્ટેશનની અંદર જ આપધાતના બનાવ બનતા આ ઘટનાએ ભારે ચકચાર સાથે પોલીસની કામગીરી પર સવાલો પણ ઉભા કર્યા હતા.