સુરત: જિલ્લામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાની પાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અને માંડવીના રૂપણ ગામે આવેલ જે.પી.નગર સોસાયટી ખાતે રહેતા મહિલા તલાટી કમ મંત્રી અંજના ગામીતે આપઘાત કરી લીધો છે. અંજના ગામીતે પોતાના ઘરે પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધાની વાત વાયુવેગે પ્રસરી જતાં આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરી હતી. માંડવી પોલીસે સ્થળ પર દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
મૃતક અંજનાના પતિએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો: પત્નીના આપઘાતને લઇને પતિ જયેશ એ પણ દવાની ગોળીઓ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને તુરત માંડવીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં પતિ જયેશ પત્ની અંજના સાથે નાની નાની વાતમાં ઝઘડો કરી મારઝુડ કરતો હતો અને મરવા માટે દુષ્પ્રેરિત કરતો હતો. જેને લઇને તેના વિરૂદ્ધ IPC 306,498 (ક) મુજબ ગુનો દાખલ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આરોપી જયેશ પણ તલાટી કમ મંત્રીની નોકરી કરે છે. અને બન્નેએ થોડા વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.