સુરત: સુરતના ભાગળ વિસ્તારમાં રહેતી મહિલા નસીમ મલેક કે જેણે 14 વર્ષની વયે પોતાના શોખને કારણે વ્યવસાય શરુ કર્યો હતો. સુરતના સિટીલાઈટ વિસ્તાર ખાતે યોજાયેલ મેળામાં તેમની કળા આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં કચ્છી હેન્ડએમ્બ્રોઇડરી, અફઘાની અને કર્ણાટક લંબાની હેન્ડ એમ્બ્રોઈડરી, બિડ વર્કમાં ગુજરાત, યુક્રેન, નેટીવ અમેરિકન, આફ્રિકાની મસાઈ અને અફઘાની ટ્રાઈબલ જ્વેલરીની વિવિધ પ્રોડક્ટ્સ ખરેખર મનમોહનારી છે. આ મેળામાં રૂ.40 થી 50 હજાર સુધીના દેશ-વિદેશના પારંપરિક હેન્ડીક્રાફ્ટના ઘરેણાં, બેગ્સ, બેલ્ટ, પેચીસ અને ટ્રાઈબલ જ્વેલરી સહિતની વસ્તુઓ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

તેમણે કમરના બેલ્ટમાં બિડેડ, કોડીવાળા, મેક્રમ, અફઘાની, ક્રોશિયો, ગુજરાતી અને લમ્બાની મીરર વર્ક જેવી વિવિધતા જોવા મળે છે. તો જૂટ્સ, મેક્રમ, અફઘાની, ક્રોશિયો, લંબાણી બંજારા સહિતની બેગ્સ પણ ખાસ છે. આ સિવાય કી રીંગ, બ્રેસ્લેટ, નેપાળી નેક લેસ સહિતની વસ્તુઓ પણ બનાવીને વેચે છે.

વર્ષે 25 લાખનું ટર્નઓવર: માત્ર ૧૪ વર્ષની ઉંમરે શોખ તરીકે કરેલી શરૂઆતને વ્યવસાયમાં તબદીલ કરવા અંગે નસીમ મલેકે કહ્યું કે, તે નાની ઉંમરથી જ કામ કરતા હતા. વર્ષ 1986માં ટેલરિંગથી શરૂઆત કરી અને તેમાં રુચિ વધતાં તેમણે સુરતની જ ઈન્સ્ટિટયૂટમાંથી ફેશન ડિઝાઇન કર્યું. તેમને પહેલેથી જ વિવિધ રાજ્યોના ટ્રેડિશનલ ક્રાફ્ટમાં ખૂબ રસ હોવાથી વિવિધ જગ્યાએ ફરીને સ્થાનિક પારંપરિક હેન્ડીક્રાફટને પ્રોત્સાહન આપવા તેને જ વ્યવસાય તરીકે વિકસાવવાનું નક્કી કર્યું.

તેઓ અલગ અલગ જગ્યાના ક્રાફ્ટને પોતાના ડિઝાઇનમાં ઢાળી વિવિધ પ્રોડક્ટસ બનાવે છે. જેનું ઘરેથી અને એક્ઝિબિશન મારફતે વેચાણ કરે છે. જેમાં વર્ષે 25 લાખનું ટર્નઓવર કરી 6-7 લાખની કમાણી કરે છે. તેમજ સમય સાથે હવે ઓનલાઈન બિઝનેસ કરવાની પણ તૈયારી તેમણે બતાવી હતી.

વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ આર્ટિસ્ટને મળતી તકો ખરેખર પ્રશંસનીય છે. વિવિધ મેળાઓ થકી અમને સારામાં સારી જગ્યાએ વેચાણની ઉત્તમ તકો મળે છે. સરકાર તરફથી મળતા પ્રોત્સાહનને કારણે દરેક સ્ત્રી આર્થિક પગભર થવાનો પ્રયત્ન કરે છે, અને સફળ થાય છે. રાજ્ય સરકારની ઉત્તમ કામગીરી બદલ તેમને બિરદાવતા નસીમ મલેકે દરેક સ્ત્રીઓને આવી સહાયની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.

હસ્તકલાકૃતિના ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન: હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો અને હસ્તકળાની ચીજોનું વેચાણ સહ પ્રદર્શન સુરતના સિટીલાઈટ રોડ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે 15મી જુલાઇ સુધી સવારે 11 વાગ્યે થી રાત્રે 9 વાગ્યે સુધી ખુલ્લું છે. રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના આયોજન હેઠળ સુરત જિલ્લા સહિત અમદાવાદ, રાજકોટ, ભુજ, નવસારી, ભરૂચ, વડોદરાના હસ્તકલા કારીગરોના 42 સ્ટોલ્સ પરથી હસ્તકલાકૃતિઓની ખરીદી કરવાની આ એક ઉત્તમ તક છે.