સુરત: વાંકલ ગામના બજારથી કોલેજ સુધીના મુખ્ય માર્ગ ઉપર યુવાનો બેફામ બાઇકો હંકારી રહ્યા હોવાની વારંવાર લોક ફરિયાદો ઉઠી રહી છે. બાઈક ચાલકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઇ આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે વાંકલ કોલેજ તરફથી વાંકલ બજાર તરફ એક કે.ટી.એમ બાઈક પર બેસી ત્રણ યુવાનો પુર ઝડપે બાઈક હંકારી વાંકલ તરફ આવી રહ્યા હતા. આ સમયે વેરાવી ફળિયા તરફથી મુખ્ય માર્ગ ઉપર એક એક્ટિવા ચાલક મહિલા આવી રહ્યા હતા ત્યારે (કે.ટી એમ) બાઈક ચાલકે તેને અડફેટે લઈ 25 ફૂટ સુધી ઘસેડ્યા હતા.
ગંભીર ઈજાઓના કારણે મહિલાનું મોત: સર્જાયેલ અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે આ મહિલાનું ઘટના સ્થળે કરુણમોત નીપજ્યું હતું. ત્યારબાદ કંટવાવ ગામના એકટીવા ચાલક સુરેન્દ્રભાઈ રંગજી ચૌધરીને પણ અડફેટે લીધા હતા. પરંતુ સામાન્ય ઇજાઓ થઈ હતી. બાઈક પર સવાર જૈમિસ મુકેશ ચૌધરી જે માંડવી તાલુકાના કોલાકુઈ ગામનો વતની છે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેમજ ધવલ જીતેન્દ્રભાઈ વસાવા રહે. કોલાકુઈ ગામ અને વિવેક પરેશ વસાવા જે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના પાંજરોલી ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
માંગરોલ પોલીસ મથકના પીએસઆઈ એચ.આર પઢિયારે જણાવ્યું હતુંકે આ અકસ્માતની ઘટનામાં બંને યુવાનોને ઇજાઓ પણ થઈ હતી. પરંતુ વધુ ઇજા બાઇક ચાલક જેમિસને થતા તેને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો હતો. બીજા બંને યુવકોને મોસાલી સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી .કે.ટી.એમ. બાઈક ચાલક વિરુદ્ધ અંકિતભાઈ નરેન્દ્રભાઈ ચૌધરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.