છોટા ઉદેપુર: નોખા આદિવાસી સમાજની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળી રહી છે ત્યારે, છોટા ઉદેપુર જિલ્લાના 888ગામો માં અંબાલા એક એવું ગામ છે, કે જે ગામ કલા સંસ્કૃતિ રીત રિવાજોનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
સદીઓ જૂની પરંપરા: છોટા ઉદેપુર જિલ્લાના સનાડા, સુરખેડા અને અંબાલા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાટી લગ્ન લેવાની પરંપરા હતી, પરંતુ સનાડા ગામમાં આ પરંપરા વર્ષો પહેલા લુપ્ત થઈ ગઈ હતી, જયારે સુરખેડા ગામમાં પણ આ પરંપરા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, ત્યારે અંબાલા ગામના લોકો આ પરંપરાને આજે પણ નિભાવી રહ્યાં છે.
નોખા આદીવાસી સમાજની અનોખી પરંપરા: અંબાલા ગામના લોકોની માન્યતા મુજબ આ ગામના દેવ ભરમાંદેવ અન્યને પરણાવવામાં ખુદ કુંવારા રહી ગયાં હોવાની માન્યતાને લઇને આ ગામમાં કોઈ વરારજા આજ દિન સુધી ઘોડે ચઢી પરણવા જતો નથી, કે કોઈ વરરાજા ઘોડે ચઢીને ગામમાં પરણવા આવી શકતો નથી, પરંતુ વરરાજાની જગ્યાએ વરરાજાની કુંવારી નાની બહેન વરરાજાનું કિરદાર નિભાવી પરણવા જાય કે પરણવા આવતી હોય છે.
વરરાજાની નાની બહેન જાન લઈને પરણવા આવે છે: ગામ લોકોમાં વડવાઓથી પરંપરા અને માન્યતા રહી છે કે, આ ગામમાં કોઈ વરરાજા જાન લઇ પરણવા જાય કે પરણવા આવે તે યુગલને સંતાન પ્રાપ્તિ થતી નથી, કે તેમનું લગ્ન જીવન ટકતું નથી. એ માન્યતાને લઇને આજ દિન સુધી આ ગામમાં કોઈ વરરાજા જાન લઈને આવ્યા નથી કે વરારજા બની જાન લઈને પરણવા ગયા નથી. એની જગ્યાએ વરરાજાની નાની બહેન માથે પાટી મૂકી જાન લઈને પરણવા આવે છે, જ્યાં નણંદ અને થનાર ભાભી મંગલ ફેરા ફરે છે અને કન્યા સાથે પરણી વરરાજાને ઘરે લઈ જઈને ફરીથી વર કન્યાને મંગલ ફેરા ફરી, પતિ પત્નીના બંધને બાંધવામાં આવે છે.
અંબાલા ગામમાં હાલ યોજાયેલા મંગલાભાઈ રાઠવાની દીકરી મંજુલાના લગ્ન બોકડીયા ગામના બિરેન રાઠવા સાથે યોજાયા હતા. જેમાં બિરેનની નાની કુંવારી બહેન માથે પાટી મૂકી વરરાજા બની અંબાલા ગામે પરણવા આવી હતી અને થનાર ભાભી સાથે મંગલ ફેરા ફરી બોકડીયા ગામે જઈને વરરાજાના ઘરે ફરી બિરેન અને મંજુલાના લગ્ન લેવડાવવામાં આવ્યા હતા.
ગામની માન્યતા અને રિવાજ: નોખા આદિવાસી સમાજની અનોખી પરંપરા મુજબ અંબાલા ગામના પુંજરા કનુભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે, અમારા ગામમાં સદીઓ ચાલતી પરંપરા મુજબ આ ગામની માન્યતા અને રિવાજ મુજબ ગામમાંથી જાન લઈને જવાની હોય તો વરરાજાની નાની બહેન માથે પાટી મૂકી વરરાજા બની પરણવા જાય છે અને વારારજા ને ઘરે રહેવું પડતું હોય છે.
પરંપરા વડવાઓએ આપેલી ભેટ: ગામના જાગૃત યુવા કાર્યકર્તા સુરસિંગ રાઠવાએ જણાવ્યું હતું કે, આ પરંપરા અમારા વડવાઓએ આપેલી ભેટ છે જેથી અમે ગામ લોકો આ પરંપરા છોડવા માંગતા નથી અને ભવિષ્યમાં પણ આ પરંપરાનુ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે ગામ લોકોએ આ પરંપરા નિભાવી છે અને નિભાવવાના છે અને આ જ અમારી અસલી ઓળખ છે.