રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે આ વરસાદ અને ચોમાસાની સિઝનમાં ધોરાજી શહેરના ઘણા ખરા વિસ્તારોના મુખ્ય રસ્તાઓ અને અન્ય રસ્તાઓની ખૂબ જ ખરાબ હાલત થઈ ચૂકી છે. ત્યારે આ ખરાબ રસ્તાને લઈને રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવો પડે છે અને સાથે જ ખરાબ રસ્તાના કારણે ટ્રાફિકની સમસ્યા તેમ જ લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. ત્યારે લોકોની આ સમસ્યાને લઈને ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ખરાબ રસ્તા અને ખાડાના સામ્રાજ્યને લઈને અનોખો વિરોધી યોજી અને જવાબદાર તંત્રને સરકારને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો: ધોરાજી શહેરમાં ખરાબ થયેલા રસ્તાની અંદર પડેલા ખાડાઓમાં ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી શહેરમાં પડેલા ખાડાઓની ફરતે કુંડાળું કરી કોંગ્રેસ આગેવાનો રાસ રમ્યા હતા અને આ રાસની સાથે સાથે "અંધેરી નગરી અને ગંડુ રાજ, ધોરાજી શહેરમાં મસ્ત મોટા ખાડા" જેવા ગીતો રાસ રમતા રમતા ગાવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં પડેલા ખાડાઓના કારણે લોકોને પડતી તકલીફની સામે કોંગ્રેસ આગેવાનોએ જવાબદાર તંત્રને જગાડવા માટે ખાડાઓની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં "એક વૃક્ષ સરકાર કે" નામ બેનર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તંત્રની પ્રિમોન્સુન કામગીરી છતી થઇ: આ સાથે જ વૃક્ષારોપણ કર્યા બાદ રામધૂન પણ કોંગ્રેસના આગેવાનોએ બોલાવી હતી. ધોરાજીમાં રાજકોટ જિલ્લાનો સૌથી વધુ વરસાદ સરકારના ચોપડે પણ નોંધાયો છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને એક તરફ તંત્રની પ્રિમોન્સુનની કામગીરીની પોલ છતી થઈ છે. ત્યારે બીજી તરફ થોડા જ સમય પહેલા નવો બનાવાયેલ સીસી રોડ પર ખરાબ રીતે ખાડા પડી ગયા છે. તેમજ તેમાં બનાવવામાં આવેલી ગટરની કુંડીઓ પણ તૂટવા લાગી હોવાનું અગાઉ જ પણ સામે આવ્યું છે.
નવા રસ્તાની વરસાદમાં હાલત ખરાબ: અહીંયા ધોરાજી શહેરના જેતપુર રોડને અંદાજિત 6 માસ અગાઉ સિમેન્ટ રોડ તરીકે બનાવવામાં આવ્યો છે અને આ રસ્તા પર આવતી ગટરની કુંડીઓને મઢી અને ઢાંકણાઓ ફીટ કરવામાં આવ્યા છે ત્યારે આ નવા બનેલા સીસી રોડમાં થોડો જ સમયની અંદર ખાડા બની ચૂક્યા છે.આ નવા રસ્તામાં ગટરની કુંડીઓના ઢાંકણાઓ અને ચેમ્બર પણ તૂટવા લાગી હોવાની અગાઉ પણ ફરિયાદો આવી હતી. જેને લઈને તંત્રની કામગીરી અને રસ્તામાં થયેલા ભ્રષ્ટાચાર અંગેના પણ આક્ષેપો અગાઉ થઈ ચૂક્યા છે.
જવાબદાર તંત્રને જગાડવા કોંગ્રેસનો પ્રયાસ: તાજેતરમાં પડેલા વરસાદ બાદ ધોરાજી શહેરના અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં થઈ ચૂક્યા છે, જેને લઈને જવાબદાર તંત્રને સરકારને જગાડવા માટે ધોરાજી શહેરના કોંગ્રેસ આગેવાનો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન યોજી જવાબદાર તંત્રને અને સરકારને જગાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. ત્યારે કોંગ્રેસે દ્વારા યોજવામાં આવેલ આ અનોખા વિરોધના કાર્યક્રમને જોવા લોકો પણ થોડા સમય માટે થંભી ગયા હતા. આમ તો અહીંયા છેલ્લા ઘણા સમયથી ધોરાજીમાં જવાબદાર તંત્રની ઢીલી નીતિ અને યોગ્ય કામગીરી ન હોવાને લઈને અનેક પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં ખરાબ રસ્તા, પીવાના પાણીની સમસ્યા, ગટરની સમસ્યા તેમજ ગંદકીને લઈને અનેક પ્રકારની સમસ્યાઓ અને ફરિયાદો ઉઠી રહી છે.
લોકોની ફરિયાદોનું નિવારણ ન કરી શકતું તંત્ર: લોકોની ફરિયાદો અને સમસ્યાને લઇને જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતો હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, કોંગ્રેસના વિરોધ બાદ અને લોકોની સમસ્યાઓને લઈને જવાબદાર તંત્ર અને સરકાર કામ કરે છે અને જાગે છે કે કેમ તે તો આવતા સમયની અંદર જ ખ્યાલ આવશે. કારણ કે, અગાઉ તંત્રની ઢીલી નીતિ અને પોલ છાતી થતા તંત્રએ રાત્રિ દરમિયાન પોતાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે હવે સરકાર અને તંત્ર ક્યારે કામે લાગે અને જાગે છે. તેના પર ધોરાજીના નગરજનોની ખાસ નજર છે.