સુરત: સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પુરઝડપે વાહન હંકારી રહેલ ચાલકો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે ત્યારે ઓલપાડ તાલુકાના કરમાળાથી આટોદરણ ગામ જવાના રસ્તે મયંક નામના ત્રણ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હોવાની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે આવતા બાઇકે ટક્કર મારતા બાળકને મોઢા, કાન અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તબીબી સારવાર છતાં, મયંકે દમ તોડ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટેલા અજાણ્યા બાઇક ચાલક સામે ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- ઓલપાડના કરમલા ગામે રોડ ક્રોસ કરી રહેલ બાળકને બાઈક ચાલકે અડફેટે લીધો,ગંભીર ઈજાઓના કારણે ટુંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું.
ગંભીર ઈજાઓના કારણે મોત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામે હળપતિ વાસ ખાતે કરમલાથી અટોદરાં ગામ તરફ જતા રસ્તા પર એક ત્રણ વર્ષનું બાળક રસ્તો ક્રોસ કરી રહ્યું હતુ તે દરમિયાન પુર ઝડપે આવી રહેલ બાઈક ચાલકે બાળકને અડફેટે લીધું હતું. બાળકને મોઢાના ભાગે, કાનના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટુંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. મૃતક બાળકનું નામ મયંક ગણેશ ભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત કરી વાહન ચાલક ફરાર: ઓલપાડ પોલીસ મથકના પીએસઆઈ યું.કે ભરવાડ એ જણાવ્યું હતું કે, બનેલ અકસ્માતની ઘટનામાં બાળકનું મોત થયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. મૃતક બાળકના પરિવારની ફરિયાદ આધારે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.