ભાવનગર: ગણપતિ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે ભાવનગરના દરિયાકાંઠા ઉપર ગણપતિ બાપાના વિસર્જન માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પરંતુ મહુવા તાલુકાના ઉંચા કોટડા પાસે ગણપતિ વિસર્જન કરવા આવેલું ટ્રેક્ટર દરિયાની અંદર લઈ જતા ચાલક તેેન બહાર લાવવામાં અસમર્થ રહ્યો હતો અને ટ્રેક્ટર દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. જો કે ઓટ આવ્યા બાદ ટ્રેક્ટર બહાર લાવવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગણપતિ વિસર્જનમાં ટ્રેકટર દરિયામાં ડૂબ્યું: ગણપતિ દાદાના મહોત્સવની પૂર્ણાહૂતિ થઈ છે, ત્યારે છેલ્લા દિવસે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા ઉપર કોળીયાક, નિષ્કલંક, ગોપનાથ, મહુવા વગેરે જેવા દરિયાકાંઠા ઉપર ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મહુવાના ઉંચા કોટડા નજીક અખેગઢ ગામથી આવેલા ગણપતિ વિસર્જનના લોકો દ્વારા ટ્રેક્ટરને દરિયાની અંદર લઈ જવામાં આવતા ત્યારબાદ બહાર કાઢવામાં અસમર્થ રહ્યા હતા. જો કે ત્યારબાદ ટ્રેક્ટર મૂકીને લોકો બહાર આવી ગયા હતા.
લોકોએ નિયમોનું કર્યું ઉલ્લંઘન: મહુવાના ઉંચા કોટડા ખાતે દરિયાની અંદર ટ્રેક્ટર લઈ ગયા બાદ ટ્રેક્ટર ખૂંચી ગયું હતું. જેને મોટી સંખ્યામાં લોકો બહાર કાઢવાની કોશિશ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આકરી મહેનત વચ્ચે ટ્રેક્ટર બહાર આવ્યું નહોતું. ત્યારે ઉંચા કોટડા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મનુ મોભે જણાવ્યું હતું કે, ઉંચા કોટડા ટ્રસ્ટ, પોલીસ ખાતા દ્વારા વિસર્જન કરવા આવતા દરેક લોકોને સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં દરિયાની અંદર વધુ પ્રમાણમાં જાય નહીં અને આગળથી જ ગણપતિ વિસર્જન કરે. આમ છતાં કેટલાક લોકો દ્વારા આ ટ્રેક્ટરને દરિયાની અંદર વધુ લઈ જતા ટ્રેક્ટર ખૂંચી ગયું હતું. જો કે કોઈ જાનહાની થઈ નથી.
મોડી રાત્રે ટ્રેક્ટરને જેસીબી દ્વારા કઢાયું: મહુવાના ઉંચા કોટડા નજીક દરિયામાં ખૂચી ગયા ટ્રેક્ટરને મોડી રાત્રે બહાર કાઢવા માટે કમર કસવામાં આવી હતી. ઉંચા કોટડાના સ્થાનિક રહેવાસી મનુભાઈએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે જેસીબી લાવીને દરિયામાં ઓટ આવી ત્યારે પાણી જતા રહેતા ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું. ટ્રેકટર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જેથી નુકસાનનું અનુમાન લગાવાય છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી.
આ પણ જાણો: