કચ્છ: જિલ્લાના યુવાન નિષાદ ધનઈકુમારે પેરિસમાં ચાલી રહેલા ઓલમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અને 'નો ડ્રગ્સ અને નો મેડીસીન' ના મેસેજ સાથે ભુજથી દોડવાનું શરૂ કર્યું છે અને પૂરા કચ્છમાં 850 કિલોમીટર જેટલું દોડશે. દરરોજ 65થી 70 કિલોમીટર દોડીને 14 ઓગસ્ટ સુધીમાં સમગ્ર કચ્છને તે આવરી લેશે.
દોડવીર 24 વર્ષથી કરે છે રનિંગ: મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં કચ્છના અંજારના રહેવાસી 37 વર્ષીય નિષાદ ધનઈકુમાર 24 વર્ષથી રનિંગ કરે છે અને તે અલ્ટ્રા મેરેથોનમાં પણ ભાગ લે છે. તે હાલમાં કચ્છના ખેલાડીઓને એથ્લેટિક ટ્રેનિંગ પણ આપી રહ્યો છે. તેમજ કચ્છના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડી રહ્યો છે.
ગ્રેટ રન ઓફ કચ્છ: નિષાદ ધનઈકુમારે ભુજની કલેકટર કચેરીથી સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારીને આવરી લઈને એક દોડ જેને 'ગ્રેટ રન ઓફ કચ્છ' નામ આપ્યું છે. જેને તે શરૂ કરી છે. આ દોડવીર આગામી 14 દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને દોડ લગાવશે.
દરરોજની 65થી 70 કિલોમીટર દોડ: અંદાજિત 850 કિલોમીટર જેટલું દોડીને ગાંધીધામ 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં પહોંચશે. આ ખેલાડી દરરોજનું 65થી 70 કિલોમીટર જેટલું દોડશે. દરરોજ 1 કલાક જેટલી એક્સરસાઇઝ કરશે. હાલમાં પેરિસમાં ચાલી રહેલા વર્ષ 2024ના ઓલમ્પિકમાં ભારતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ 'નો ડ્રગ્સ અને નો મેડીસીન'ના મેસેજ સાથે આ દોડ લગાવી રહ્યો છે.
દોડનો રૂટ: સમગ્ર કચ્છમાં દોડ અંગે માહિતી આપતા ધનઈકુમાર નિષાદે જણાવ્યું હતું કે, તે ભુજથી ગાંધીધામ જશે ગાંધીધામથી સામખિયાળી, સામખિયાળીથી રાપર, રાપરથી બાલાસર, બાલાસારથી ધોળાવીરા, ધોળાવીરાથી ખાવડા, ખાવડાથી હાજીપીર, હાજીપીરથી લખપત, લખપતથી નારાયણસરોવર, નારાયણ સરોવરથી નલીયા, નલીયાથી માંડવી, માંડવીથી મુન્દ્રા અને મુન્દ્રાથી ગાંધીધામ કુલ 850 કિલોમીટર જેટલું દોડશે.
દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ ખાતે લીધો ભાગ: ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વર્ષ 2016માં ધનઈકુમાર નિષાદે દિલ્હીથી મુંબઈ કુલ 1500 કિલોમીટરની દોડ 18 દિવસમાં પૂર્ણ કરી હતી. જેમાં કુલ 40 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. 5 નવેમ્બર 2023ના હૈદરાબાદ ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ 50 કિલોમીટરની દોડમાં તેણે કુલ 75 ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો.