ગાંધીનગર: કોલકાત્તાની આર.જી કર મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોથી લઈને સામાન્ય લોકો આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રદર્શન કર્યું હતું.
મહિલા ડોક્ટરની હત્યાથી ડોક્ટરોમાં રોષ: કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જેને લઈને 16મી ઓગસ્ટથી OPD તથા અન્ય સર્વિસ બંધ રહેશે. જ્યારે ઈમરજન્સી સેવાઓ ચાલું રહેશે.
ઓલ ગુજરાત જૂનિયર એસોસિએશન દ્વારા વિરોધ: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રદર્શનકારી તબીબે જણાવ્યું કે, બીજા વર્ષમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીની પર બળાત્કાર કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તે બાદ આખા દેશમાં આકરા પ્રતિસાદો જોવા મળ્યા છે. સ્થાનિક ગુંડાઓ દ્વારા મેડિકલ કોલેજમાં ઘૂસીને સબૂત સાથે છેડછાડ કરવા માટે તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઓલ ગુજરાત જુનિયર તબીબ એસોસિએશન દ્વારા ઓપીડી સહિતની ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 100 થી 120 જેટલા રેસીડન્ટ ડોક્ટર અને 200 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.