બનાસકાંઠા: જિલ્લાના ચાર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ વિવિધ પ્રશ્નો મુદ્દે દિયોદરના સણાદર ખાતે વિરોધ સભાનું આયોજન કર્યું હતું. જેમાં નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરને પણ રજૂઆત કરી હતી. સાંસદે આંગણવાડી કાર્યકરોને કાયમી કરવા અને તેમના પ્રશ્નોના અંગે લોકસભામાં વાત રાખવાની ખાતરી આપી હતી.
શું છે આંગણવાડી કાર્યકરોના પ્રશ્નો?: ત્રણ મહિનાથી તેલ નથી મળતું, રેગ્યુલર બિલો મંજુર થતા નથી, ઈન્સેટીવ પણ મળતું નથી. વિવિધ લોકલ પ્રશ્નો મુદ્દે આજે સણાદર ખાતે આંગણવાડી કર્મચારી સભાની આગેવાનીમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં દિયોદર,ભાભર,કાંકરેજ અને સૂઇગામ આંગણવાડી કેન્દ્રની મહિલાઓ ભેગી થઈ હતી, અને વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.
આ આંગણવાડી કર્મચારી સભામાં ચંપાબેન પરમારે જણાવ્યું કે, સકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનોને સમયસર બિલોનું ચુકવણું નથી થતું, ઇનસેટિવ નથી મળતું અને છેલ્લા ત્રણ મહિનાથી તેલ પણ નથી મળતું. આવા વિવિધ પ્રશ્નો અંગે આજે અમને અહીં બોલાવ્યા હતા. અને તેમની રજૂઆતો સાંભળી હતી, જોકે આ મિટિંગમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત થતા તેમની સમક્ષ પણ અમે રજુઆત કરી છે, ખાસ આંગવવાડી કાર્યકરોને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સરકારી કર્મચારીઓનો દરજ્જો મળ્યો જે માટે સરકારમાં રજુઆત. કરવા અમે કહ્યું છે.
રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે: "આંગણવાડી કાર્યકર બહેનો 6 કલાક નોકરી કરે છે અને કુપોષિત નાના બાળકોને કુપોષણ મુક્ત કરવા અને આવનારા ભારતના ભવિષ્યને મજબૂત કરવાના પ્રયાસો કરે છે. ત્યારે જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, તે આદેશનું રાજ્ય સરકારો અમલ કરે અને આંગણવાડી કાર્યકરો બહેનોને જે સરકારી કર્મચારીઓના લાભો છે, તે તમામ લાભો આપે સાથે જ આવા ઘણા વિભાગો છે જેમને રાજ્ય સરકારે અન્યાય કર્યો અને તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે તેમને ન્યાય આપ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને જે અમલ કરે છે તે કરે અને એમને લાભ આપે, આ માટે હું પણ દિલ્હી ખાતે તેનો અવાજ ઉઠાવીશ અને અમારા ધારાસભ્ય પણ રજૂઆતો કરશે."