સુરતઃ સુરતમાં સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા હર્ષના બેન ચૌધરી નામના મહિલા પોલીસકર્મીએ ગત 18મી માર્ચના રોજ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી અને આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં તેઓએ લખેલી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી.
શું હતો સમગ્ર મામલોઃ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું મૃતક મહિલા પોલીસકર્મી હર્ષના ચૌધરીનું અગાઉ તેની સાથે જ ફરજ બજાવતા અને હાલમાં સુરતના સાયબર સેલ ક્રાઈમમાં ફરજ બજાવતા પ્રશાંત ભોંયે નામના પોલીસકર્મી સાથે પ્રેમ સબંધ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પ્રશાંત ભોંયે મૂળ ડાંગ જિલ્લાના વતની છે અને તે 10 દિવસથી ડાંગમાં હતો. જ્યાં મોબાઈલ નેટવર્ક અને તેનું બાઈક સ્લીપ થવાના કારણે તે હર્ષના બેન સાથે સંપર્કમાં રહી શક્યો ના હતો જેને લઈને હર્ષા બેન ડીપ્રેશનમાં પણ આવી ગયા હતા અને ગત 18મી માર્ચના રોજ પોતાના ઘરે હર્ષનાબેને આપઘાત કરી લીધો હતો.
1 મહિના બાદ પ્રેમી પોલીસકર્મીની ધરપકડઃ આ મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગેની જાણ તેઓના પરિવારને પણ હતી, પરંતુ પ્રશાંતને જલ્દી લગ્ન કરવા હતા જયારે હર્ષનાબેન થોડો સમય માંગતા હતા. આ બાબતે બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા પરંતુ હર્ષા બેને જીવન ટુંકાવી લીધું હતું. આ સમગ્ર મામલે ગત 26 માર્ચના રોજ પ્રશાંત વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને 1 મહિના બાદ પ્રેમી પોલીસકર્મી પ્રશાંત ભોયેની ધરપકડ કરવામાં આવી છે.