નવસારી: જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતે વેજલપુરમાં રહેતા 32 વર્ષીય વિશાલ ભીમરાવ બોરસેને પગમાં ફેક્ચર થયું હતું જેની સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં ત્રીજા માળે સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. ડૉક્ટર દ્વારા સારવાર તો યોગ્ય ચાલી રહી હતી. પરંતુ, આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ યુવાન ત્રીજા માળની લોબીમાં આવેલા ટેબલ પર ચડીને અગમ્ય કારણોસર નીચે કૂદી પડ્યો હતો.
ત્રીજા માળેથી છલાંગ લગાવવા છતાં બચી ગયો: સદનસીબે આ યુવાન ત્રીજા માળેથી છલાંગ લગાવવા છતાં પણ બચી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ યુવાનને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જેમાં યુવાનને પગમાં તેમજ કમરમાં ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા યુવાનના પરિજનોને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. પોતાના પરિવારના યુવકનું ત્રીજા માળેથી કૂદવા છતાં પણ ચમત્કારી બચાવ થતા પરિવારે પણ હસકારો લીધો હતો.
દારૂ પીવાની આદત: સમગ્ર મામલે દર્દીના પિતા ભીમરાવ એ જણાવ્યું હતું કે, "તેમનો પુત્ર દારૂ પીવાની આદત ધરાવે છે, થોડા દિવસ અગાઉ તેને પગમાં ફેક્ચર થયું હતું જેને લઇને તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, આજે સવારે 4:00 વાગ્યે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે ત્રીજા માળેથી તે કૂદી પડ્યો છે. જેને લઈને અમે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા. સદનસીબે મારા પુત્રને કંઈ થયું નથી અને હાલ તેની સારવાર ચાલી રહી છે".