કચ્છ: કચ્છના ભુજ તાલુકાના કુકમા ગામેથી ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી છે. કુકમા ગામના આગેવાન ઉત્તમભાઈ શિવલાલ રાઠોડ તથા ભરતસિંહ સોઢાએ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ અને સબ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલને ફોન મારફતે ઘટના અંગેની જાણ કરી હતી. કચ્છના નિવૃતિ આશ્રમ કુકમા પાછળ ખરાવાડ ખાતે કોઈ અજાણી વ્યક્તિ નવજાત શીશુને મુકી ગયેલ છે. જે આધારે પધ્ધર પોલીસની ટીમે તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી અને નવજાત બાળકીને આગેવાનો તથા પધ્ધર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા PHC કુકમા ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.
બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ: પધ્ધર PHCના ડો. ધારાબેને બાળકીને તાત્કાલીક સારવાર આપી હતી. બાળકની હાલત ગંભીર હોવાથી બાળકીને વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં મોકલાવવામાં આવી હતી. તેની સારવાર હાલમાં ચાલુ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પધ્ધર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ: પધ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એમ.ગોહિલને આ બાળકીને કોણે ત્યજી દીધુ તે હજુ સુધી જાણવા મળ્યું નથી, શા માટે માતાએ આવુ કર્યુંં અને બાળકીને ક્યારે મૂકી ગઈ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.