ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ છે. ગુજરાતમાં રાજકારણના 2 મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઈ હતી. અમીત શાહ અને શંકરસિંહ લાંબા સમય બાદ બે રાજકીય દિગ્ગજો વચ્ચે બંધ બારણે મુલાકાત થઇ છે.
સર્કિટ હાઉસના પ્રથમ માળે બેઠક: ગત રાત્રે સર્કિટ હાઉસના પ્રથમ માળ પર આ બેઠક યોજાઈ હતી. એકાએક યોજાયેલી મુલાકાતથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેમજ ચર્ચા ચાલી છે કે રાજકારણમાં કંઈક નવા જૂની થઈ શકે છે. જોકે આ બેઠક અંગે બંને પગ તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી. છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. આજે ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટિંગ યોજાઈ હતી.
શંકરસિંહ વાઘેલાએ 4 પાર્ટીઓમાં કામ કર્યુ: આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ થઈ રહી છે. આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને NCP સુધીની તેમની લગભગ 50 વર્ષની કારકિર્દીના પડદા પર બળવો અને રિસામણાના કેટલાય નાટકીય ઍપિસોડ આવ્યા અને જતા રહ્યા. તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં 4 રાજકીય પાર્ટીમાં કામ કર્યું છે.
નરેન્દ્ર મોદીને સ્કૂટર પર ફેરવતા હતા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા કેવી રીતે ગુજરાતના 'બાપુ' બન્યા તેના પર નજર કરવી રસપ્રદ બની રહેશે. શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પણ રસપ્રદ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી કારકિર્દીની શરૂઆત કરનાર શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં સક્રિય દરેક પક્ષમાં કામ કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી.
કોંગ્રેસ છોડીને નવી પાર્ટીની રચના કરી: કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે NCP જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું
અત્યારે શંકરસિંહ નિવૃત જીવન ગાળી રહ્યા છે: શંકરસિંહ વાઘેલાએ NCP છોડી દીધી હતી. હાલમાં શંકરસિંહ વાઘેલા ગાંધીનગરમાં આવેલા તેમના વસંત વગડા બંગલે લગભગ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે પરંતુ ગુજરાતમાં ચાલતા દરેક મોટા મુદ્દામાં તેઓ પોતાને સ્પષ્ટ રાય રાખે છે લોકસભા ચૂંટણી 2024 માં થયેલા ક્ષત્રિય સમાજના આંદોલન સમયે પણ તેઓ જાહેર નિવેદનો આપી ચૂક્યા છે.