અમરેલી: અમરેલી જીલ્લાનો ઘણો-ખરો ભાગ બૃહદ ગીર વિસ્તારમાં આવે છે અને તે કારણોસર અમરેલી વિસ્તારનાં ધારી-ધોકડવાનાં વન્ય વિસ્તારની રેન્જ તેમજ અન્ય ગીરકાંઠાનાં અમુક ગામોમાં સાવજો વિચારતા જોવા મળે છે. અમરેલી જીલ્લાનાં ધારી તાલુકા વીરપુર ગામે તો ગામલોકોએ ખાસ આ મુદ્દે સીસીટીવી કેમેરાઓ લગાવેલા છે જેથી કરીને રાત-વરાતનાં લોકોને ગામમાં ક્યાંયે નીકળવું હોય તો સહુલિયત રહે અને જંગલનાં રાજા જો ગામમાં લટાર મારવા આવ્યા હોય તો તેમનો રસ્તો ન કાપે. આવા રાતનાં જંગલ વિસ્તારમાંથી અમરેલી જીલ્લાનાં બાબાપુર ગામનાં ગ્રામ્ય વિસ્તારોમાં મુક્ત રીતે વિહરી રહેલા બે સિંહોનો વીડિયો ઈટીવી ભારતને મળ્યો છે, વીડિયોની ખરાઈ કરતા બાબાપુરનાં લોકો સાથે વાતચીત કરતા માલુમ થયું કે, ગામમાં લટાર મારી રહેલા બે સિંહોનો આ વીડિયો બાબાપુર ખાતે આવેલી સર્વોદય શૈક્ષિણિક અને સામાજીક સંસ્થા આસપાસનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે એક તરફ શહેરી વિસ્તારોમાં શ્વાન દ્વારા કરડી ખાવાનાં કિસ્સાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, ત્યારે ગીરકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મુક્ત મને લટાર મારી રહેલા આ વનરાજ કેસરીની જોડીનો વીડિયો એ વાતની સાબિતી આપે છે, કે જંગલી પ્રાણી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને કોઈ જાતની કનડગત કર્યા વગર પોતાની મસ્તીમાં લટાર મારવા નીકળેલા વનરાજ કેસરીઓ એ હ્યુમન-વાઈલ્ડ એનિમલ કોન્ફ્લિક્ટનાં દાવાઓને નક્કારી કાઢતા જોવા મળે છે.
વનકેસરીઓ હવે જંગલ વિભાગ દ્વારા ખેંચવામાં આવેલી તેમની હદને હાલતા ઓળંગીને એ હદની બહાર લટાર મારવા નીકળી પડે છે. હવે એ હદ જ્યારે એક તરફ રાજકોટ સુધીનાં સીમાડાઓ સુધી પહોંચી છે, તો બીજી તરફ એ હદ જાફરાબાદનાં દરિયા કિનારા સુધી અને ત્રીજી તરફ પોરબંદર જીલ્લામાં આવેલા બરડા ડુંગરો સુધી લંબાઈ ગઈ છે. સિંહોની આ વિચરણ કરવાની શૈલીને ધ્યાને લેતા સરકાર પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ સુધીનાં ઘણા અને મોટા ભાગનાં વિસ્તારને ગીર વિસ્તાર સાથે સાંકળી લેવા તૈયારીઓ આદરી દીધી છે.