રાજકોટ: ગુજરાતમાં સૌપ્રથમ જો કોઈ સ્મશાનને લોકોએ આકર્ષ્યું હોય તો એ જામનગરનું આદર્શ સ્માશાન હતું. જામનગરમાં પેરિસ ઓફ સૌરાષ્ટ્ર અને શિવ મંદિરોની મોટી સંખ્યાને કારણે છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં મધ્ય 80નાં દશક સુધી જોવાલાયક સ્થળોમાં જામ સાહેબનો પ્રતાપ વિલાસ પેલેસ, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ (ઈર્વીન હોસ્પિટલ) ખાતે સોલેરીયમ, તળાવની પાળ (રણમલ તળાવ અને લાખોટા તળાવ), પારકંજીની બારી, ભુજીયો કોઠો, જામ રણજીસિંહ ક્રિકેટ મેદાનને બાદ કરતા સ્મશાનનો સમાવેશ આ યાદીમાં ન હતો.
સ્મશાન એક પ્રકારે પીકનીક સ્પોટ જેવી જગ્યા: મધ્ય 80નાં દશકમાં જામનગરનાં સ્મશાને એવું તે લોકઆકર્ષણ ઉભું કર્યું કે લોકો માટે સ્મશાન એ એક પ્રકારે પીકનીક સ્પોટ જેવી જગ્યા બની ગઈ. સ્મશાન અને એ પણ હરવા-ફરવાનું સ્થળ, આ વિચારી પણ કેમ શકાય? પણ હા, આ વિચાર આવ્યો હતો સ્વર્ગીય શ્રી વીરજીભાઈ ઠક્કરને જેમણે ગાંધીજીનાં કહેવા મુજબ વર્ષ 1939માં સંસ્થા કોંગ્રેસમાંથી રાજુનામુ આપીને લોકસેવાનાં કાર્યોમાં જંપલાવ્યું હતું. ઠક્કરે વર્ષ 1940માં જામનગર ખાતેનું આદર્શ સ્મશાન સ્થાપ્યું જે જામનગર સ્થિત વિક્ટોરિયા બ્રિજ નીચે કાર્યરત જુના સ્મશાનનાં વિકલ્પ તરીકે આકાર પામ્યું.
સ્મશાનોને રમણીય બનાવવાનો શ્રેય વીરજીભાઈ ઠક્કરને: "સ્મશાનમાં લોકો પોતાના સ્વજનો ગુમાવ્યાનો શોક ભૂલી જાય, એવા હોવા જોઈએ," એ વાત વીરજીભાઈએ તેમની જર્મનીની યાત્રા દરમ્યાન કોઈ જૈન મુનિનાં લખાણમાં વાંચી હતી અને જર્મનીથી પરત ફર્યા બાદ જામનગરનાં આદર્શ સ્માશાનની કાયાકલ્પ અને તેને રમણીય બનાવવા તરફ ઠક્કરે પહેલ કરી. ગુજરાતમાં સમાશનોને રમણીય બનાવવાનો શ્રેય શ્રી વીરજીભાઈ ઠક્કરને જાય છે.
ઠેર-ઠેર સ્મશાનો રમણીય બન્યા: ત્યારબાદ ગુજરાતમાં ઠેર-ઠેર સ્મશાનો રમણીય બન્યાનાં અનેકો-અનેક દાખલાઓ છે જેમાં રાજકોટ, સુરત વગેરેનો સમાવેશ થાય છે, જીવનનું ચક્ર, સ્વર્ગ તરફ પ્રયાણ કરતા વિમાન, વેદ અને ગીતા ઉપદશોનાં ભીંતચિત્રો વગેરે વગેરેની કૃતિઓ પણ સ્મશાને સ્થાપિત કરવામાં આવી અને આજે સ્મશાનોમાં લીલાછમ બાગ-બગીચાઓ પણ જોવા મળે છે, સાથે-સાથે દેહને અગ્નિદાહ આપવાની પ્રક્રિયામાં પણ આધુનિકરણ અપનાવવામાં આવ્યું જેમાં લાકડા અથવા વિદ્યુત ભઠ્ઠીઓનો વિકલ્પ પણ સ્થાપિત કરવામાં આવ્યો. ગુજરાતમાં આજે મોટાભાગનાં સ્માશાનોમાં લાકડાથી દેહને અગ્નિ આપવી કે વિધુત ભઠ્ઠીમાં દેહને અગ્નિ આપવાના વિકલ્પો ઉપલબ્ધ છે.
અમુક જ્ઞાતિઓમાં પરંપરા: અમુક જગ્યાઓ પર સ્મશાનોમાં અને અમુક જ્ઞાતિઓમાં એવી પરંપરાઓ પણ જોવા મળે છે જેમ કે મુંબઈ ખાતેનાં સ્મશાનમાં જાઓ તો હાજર ડાઘુઓને કુટુંબની કોઈ વ્યક્તિ ટોકનોનું વિતરણ કરતી જોવા મળે અને સાથે આગ્રહ પણ કરતી જોવા મળે કે, "અહીં કેન્ટીનમાં આપ અલ્પાહાર લઈને આપના કામે નીકળી શકો છો!"
પ્રથા થોડી ગેર-વ્યાજબી: અમરેલી જીલ્લામાં દામનગર સ્થિત નીખિલભાઈ અજમેરા, જેઓ વર્ષો સુધી મુંબઈમાં રહ્યા છે તેમને આ પ્રથા થોડી ગેર-વ્યાજબી લાગે છે, "કોઈનું મૃત્યુ થયું હોય એક તરફ એમના દેહને અગ્નિદાહ આપવામાં આવતો હોય અને બીજી તરફ સ્મશાન સ્થિત કેન્ટીનમાં લોકો જ્યારે નાસ્તા-પાણી કરતા જોવા મળે તો ચોક્કસ અજુગતું લાગે."
સુરતની પ્રણાલી પરનો રસપ્રદ અહેવાલ: અંતિમધામોમાં ખાણીપીણીની વ્યવસ્થાઓ માત્ર મુંબઈનાં સ્મશાનોમાં છે તેવું નથી, પરંતુ આવી વ્યવસ્થાઓ ગુજરાતમાં સુરત સ્થિત સ્માશાનોમાં પણ જોવા મળે છે, અમારા ETV ભારતનાં સુરત સ્થિત સંવાદદાતા શ્વેતા સિંગે તૈયાર કર્યો છે આ સુરતની પ્રણાલી પરનો રસપ્રદ અહેવાલ, જેમાં અમુક જ્ઞાતિઓમાં સ્મશાને આવેલા ડાઘુઓને ચા-પાણી-નાસ્તો અને તેમાં પણ સુરતી ભુસુ ખાસ પીરસવામાં આવે છે, જુઓ આ સુરતમાં ઉંબરા વિસ્તાર ખાતે આવેલા રામનાથ ઘેલા સ્માશાનગૃહથી તૈયાર કરવામાં આવેલો વિડીયો અહેવાલ.
સ્માશાનભૂમિની કાયાપલટે: સ્માશાનભૂમિની આ પ્રકારની કાયાપલટે સ્માશાન સાથે જોડાયેલી અંધશ્રધ્ધાએ અને અપશુકનની ભાવનાને તો ક્યાંક ચોક્કસ દૂર કરી છે, પણ આજે ગુજરાતમાં આવેલા સ્મશાનો એવા રમણીય સ્થળ બની ગયા છે કે તેમાં અંગત વ્યક્તિ ખોયા હોવાનાં દુઃખને ભૂલવા માટે એક પ્રકારે ચેન અને સુકૂનભર્યું ભક્તિભાવ અને બોધપાઠ વાળું વાતાવરણ આપવામાં પણ આ અંતિમધામો કદાચે આગામી દિવસોમાં કોઈ ફાઈવ-સ્ટાર કેટેગરીની સહુલિયાતો પણ ઉપલબ્ધ કરાવતા ન થઈ જાય તો નવાઈ નહિ.