સુરત : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને સુરતમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. આ યાત્રામાં હજારો સુરતવાસીઓની ઉપસ્થિતીથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું.
‘તિરંગા પદયાત્રા’ : આ યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપ, શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી. આમ ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપ અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આકાશમાં છવાયો તિરંગો : રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ‘તિરંગા પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, રાજ્ય મંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા.
યાત્રાનું ભવ્ય સ્વાગત : વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતવાસીઓ સહભાગી થયા હતા. સાથોસાથ મંત્રી અને મહાનુભાવો પણ તિરંગો લહેરાવી યાત્રામાં જોડાયા હતા. મહાનુભાવોએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
હર ઘર તિરંગા : કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો ફરકે એવા સંકલ્પ સાથે 9 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન-સન્માન સાથે લહેરાવવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. તિરંગા યાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજસેવક પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો.