રાજકોટઃ રાજકોટની સોની બજારમાંથી બંગાળી વેપારીનું સોનું તેનો જ બંગાળી કારીગર લઇને ફરાર થઈ ગયાની ઘટના સામે આવતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 40 વર્ષથી રાજકોટમાં સોનાનું ઘાટકામ કરનાર બંગાળી વેપારીને ત્યાં છેલ્લા 20 વર્ષથી કામ કરનાર બંગાળી કારીગર રૂ.20.90 લાખની કિંમતનું સોનું લઇ પરિવાર સાથે નાસી ગયો છે. પોલીસે ગુનો નોધી નાસી ગયેલા બંગાળી કારીગરની શોધખોળ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ રાજકોટના સોની બજારમાં ગઢની રાંગ પાસે શ્રીમાળી હોસ્પિટલની પાછળ આવેલી ભટ્ટ શેરીના ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટમાં ગોસિયા જવેલર્સ નામની દુકાન ચલાવતા અલીમભાઈ કાસીમભાઈ અબ્દુલ (ઉં.વ.50) એ એ ડિવિઝન પોલીસ મથકમાં કે મૂળ પશ્ચિમ બંગાળના હત્પગલી જિલ્લાના વતની અને હાલ રાજકોટમાં રહેતા નિખિલસિંગ મધાયસિંગનું નામ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કારીગરનો ફોન સતત બંધ આવવા લાગ્યો
ફરિયાદ પ્રમાણે તેઓ સોની બજારમાં છેલ્લા 40 વર્ષથી દુકાનમાં સોનાનું ઘાટકામ કરે છે. તેની સાથે નિખિલસિંગ અહીં છેલ્લા 20 વર્ષથી વેપારીની દુકાન ઉપર આવેલી તેમની અન્ય દુકાનમાં સોનાનું ઘાટ કામ કરતો હતો. ગત તારીખ 06.09.2024ના વેપારીને કાનની બુટ્ટી બનાવવાનો ઓર્ડર આવ્યો હતો. જેથી તેમણે વિશ્વાસુ કારીગર નિખિલસિંગને બોલાવ્યો હતો અને તેને 270 ગ્રામ ફાઈન સોનું તેના પર ભરોસો રાખી આપ્યું હતું. જેમાંથી 18 કેરેટની 90 જોડી બુટ્ટી બનાવી 3-4 દિવસમાં આપવાનું કહ્યું હતું. જેથી નિખિલસીંગે કહ્યું હતું કે, 4 દિવસમાં બુટ્ટી બનાવી આપીશ. બાદમાં તે દુકાને કામ કરવા જતો રહ્યો હતો. બપોરના 3 વાગ્યે દુકાને તાળું મારી ગયા બાદ સાંજના 7 વાગ્યા સુધી તેને દુકાન ખોલી ન હતી. જેથી ફરિયાદીએ નિખિલસિંગને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો.
પોલીસે શરૂ કરી તપાસ
ફરિયાદીની દુકાનની બાજુમાં આવેલ મકાનમાં નિખિલસીંગ ફેમિલી સાથે ભાડે રહેતો હોવાથી ત્યાં જઈ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, નિખિલસિંગ, તેની પત્ની સહિત કોઈ ઘરમાં હાજર નહોતું અને ઘર ખુલ્લું હતું. નિખિલસિંગના ભત્રીજા જયદીપસિંગને ફોન કરતા તે પણ ફોન ઉપાડતો ન્હોતો. જે પછી ઘણી તપાસ બાદ પણ આ નીખીલસિંગનો પત્તો લાગ્યો નથી, જેથી તે ફરિયાદીનો વિશ્વાસ કેળવી તેની પાસેથી 18 કેરેટની 90 જોડી બુટ્ટી બનાવવા માટે 270 ગ્રામ ફાઈન સોનું કિંમત અંદાજીત રૂપિયા 20,90,399 લઈ ગયા બાદ પરિવાર સાથે પલાયન થઈ ગયો છે, તેવી જાણ થતા અંતે વેપારીએ આ ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આ કારીગરને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
આ અંગે એ ડીવીઝન પી.આઈ. આર.જી.બારોટ નો સપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પોલીસે ગુનો નોંધી, સોનું લઈને ફરાર થયેલા શખ્સને શોધવા માટે તપાસ શરુ કરી દીધી છે. તેના વતન તેમજ જુદી જુદી જગ્યાએ હાલ ટીમ તપાસ કરી રહી છે.