દેવભૂમિ દ્વારકા: જામનગરમાં રહેતા અશોકભાઈ ધુવા અને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યોએ સાથે ધારાગઢ સીમમાં આવી ઝેરી દવા પી આપઘાત કરી લેતા દ્વારકા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી. ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ એસપી દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તમામ મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટમોટમ કરાવવા માટે મોકલવામાં આવ્યા હતા. સાથે જ આ ઘટનાની ગંભીરતા જોઈને ભાણવડ પોલીસ મથકમાં વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના બે આરોપીઓ વિરુદ્ધ BNS ની વિવિધ કલમો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને જિલ્લાના એસપી નીતિશ પાંડે દ્વારા DVSP હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એક સીટની રચના કરવામાં આવી હતી અને આ કામે રહેલા તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી મૃત પરિવારોને ન્યાય અપાવવા પોલીસ તપાસ આગળ ધપાવામાં આવી હતી.
વધુ પૈસા આપવા દબાણ: ઘટનાની વાત કરીએ તો જામનગરમાં રહેતા અશોક ધુવા કે જે બ્રાસપાટની ભઠ્ઠી ધરાવે છે તેમને આરોપી વિશાલ જાડેજા દ્વારા મારકૂટ કરી ધાક ધમકી આપી 20 લાખ રૂપિયા આપવા દબાણ કરેલ હોય તેઓ વિડિયો પણ આ મૃતક અશોકભાઈના મોબાઈલ માંથી મળી આવ્યો હતો. સાથે જ મૃતક અશોકભાઈએ લખેલ સુસાઇડ નોટ મુજબ વિશાલ પ્રાગડા નામના આરોપી પાસે તેઓ પાંચ લાખ જેવી રકમ માંગતા હતા. તેમ છતાં પણ તે આ રકમ પરત આપતો ન હોય અને બીજી તરફ વિશાલ જાડેજા અને તેના સાગરીતો તેમને 20 લાખ રૂપિયા આપવા દબાણ કરતા હતા.

બંને આરોપીઓની ધરપકડ: આ બધાથી ચિંતિત થઈ આખરે અશોકભાઈ ધુવા, તેમના પત્ની અને તેમના પુત્ર, પુત્રીએ ધારાગઢ પાસે સીમ વિસ્તારમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે મૃતકના મોબાઇલમાંથી મળેલ વિડિયો તેમજ અન્ય પુરાવો અને સુસાઇડ નોટના આધારે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ રચી ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે શું તે બાબતે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.