જૂનાગઢ: ચોરવાડનું ઝુંડ ભવાની મંદિર પાછલા સાડા ચારસો વર્ષથી ખારવા સમાજની એક અનોખી લોક સંસ્કૃતિ અને પરંપરાનું સાક્ષી બનતું આવ્યું છે. મંદિરના પટાંગણમાં દર વર્ષે શ્રાવણ મહિનાની તેરસથી લઈને ભાદરવા મહિનાની બિજ સુધી અનોખો અને આગવો મેળો આયોજિત થાય છે. અહીં એક આખું ખારવા નગર અસ્થાયી નિવાસ્થાનોના રૂપમાં ઊભુ થાય છે.
પાંચ દિવસ સુધી ટેન્ટ બનાવીને રહે: સમગ્ર સૌરાષ્ટ્રના ખારવા સમાજના લોકો પાંચ દિવસ સુધી ટેન્ટ બનાવીને એક અનોખા મેળાનો આનંદ માણતા હોય છે. ખારવા સમાજની પરંપરા અનુસાર અહીંથી છુટા પડેલો પ્રત્યેક પરિવાર સીધા માછીમારીની નવી સિઝન માટે દરિયાઈ સફરે નીકળે છે તે પૂર્વે પ્રત્યેક ખારવા સમાજનો વ્યક્તિ ઝુંડ ભવાની મેળામાં એક સાથે પાંચ દિવસ સુધી તમામ આધુનિક સુખ સુવિધાઓથી દૂર પરિવારિક ભાવના સાથે સમય વિતાવતો જોવા મળે છે.
માત્ર ખારવાર સમાજના પરિવારોનું રહેઠાણ: 450 વર્ષ પૂર્વેથી ચાલતી આ પરંપરા અનુસાર ઝુંડ ભવાની મેળામાં ખારવા સમાજના ગરીબથી લઈને તવંગર સુધીની વ્યક્તિ અસ્થાયી રૂપે સામાન્ય ટેન્ટ બનાવીને પાંચ દિવસ સુધી રહે છે. અહીં તેઓ દિવસની તમામ દિનચર્યા એક સાથે નિભાવતા જોવા મળે છે.
કોઈ સુખ સુવિધા વગર પાંચ દિવસ રહે છે: ચકડોળ કે એવી કોઈ મનોરંજનની વ્યવસ્થા આજે પણ કરવામાં આવતી નથી. વર્ષો પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાંથી ખારવા સમાજના લોકો પાંચ દિવસની જરૂરિયાત અને રહેવા માટેનો સામાન ગાડામાં ભરીને ઝુંડ ભવાની મંદિરે આવતા હતા તે જ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે. જોકે ગાડાનું સ્થાન આજે છકડો રીક્ષાએ લીધું છે.
પારિવારિક ભાવના જળવાઈ રહે તેવો પ્રયાસ: આધુનિક યુગમાં પારિવારિક ભાવના ખૂબ જ મહત્વની બની રહેશે. પ્રત્યેક ખારવા સમાજના પરિવારોમાં પારિવારિક ભાવના જળવાઈ રહે તે માટે પણ આ મેળાનુ વિશેષ આયોજન કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી એક સાથે ભોજનની સાથે તમામ દિનચર્યા મેદાનમાં બનેલા અસ્થાયી ટેન્ટમાં પૂરી કરવામાં આવે છે.
આમિરથી લઈને રાંક બધા એક સાથે: અહીં કરોડોની ગાડીમાં ફરતો ખારવા સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ આ પાંચ દિવસ દરમિયાન ધૂળમાં બેઠેલો જોવા મળે છે સૌથી મોટી વિશેષતા એ છે કે ભાદરવા સુદ બીજના દિવસે મેળો પૂર્ણ થતા જ ખારવાર સમાજના યુવાનો અને પુરુષો માછીમારીની દરિયાઈ સફરે નીકળતા પૂર્વે પાંચ દિવસ સુધી પરિવારના નાના મોટા વૃદ્ધ તમામ સદસ્યો સાથે સમય પસાર કરે છે. આ પ્રકારની પારિવારિક ભાવનાને ઉજાગર કરતો ઝુંડ ભવાનીનો મેળો આજે પણ ગુજરાતના એક અનોખા મેળા તરીકે ઓળખાઈ રહ્યો છે.
આ પણ વાંચો: