જૂનાગઢ: મૂળ લાઠીના ચાવંડ ગામના વતની અને હાલ રાજકોટમાં વેબ ડિઝાઇનિંગનુ કામ કરતા વિપુલ બોકરવાડીયા ભલે દિવ્યાંગ હોય પણ પોતાના દૃઢ મનોબળના સહારે તેમણે ગિરનારને સર કરીને સાબિત કર્યું છે કે દૃઢ મનોબળથી માનવી કાંઇ પણ કરી શકે છે. સતત દસમી વખત વિપુલભાઈએ ગિરનારને સર કરીને મજબૂત મનોબળનું એક અનોખું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. બાળપણથી જ પોલિયોની બીમારીમાં બંને પગ ગુમાવી ચૂકેલા દિવ્યાંગ વિપુલભાઇએ અંતિમ વખત ગિરનાર સર કરવા આવ્યા હતા. તેઓએ 17 કલાકની મહેનત બાદ પોતાના મિત્રો સાથે સફળતા પૂર્વક ગિરનારની ચડાઇ કરી છે.
વિપુલભાઈએ 10મી વખત ગિરનારની કરી ચડાઈ: 'મન હોય તો માળવે જવાય' અને 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' આ કહેવત વિપુલભાઈ બોકરવાડીયા જેવા અડગ મનના માનવીને જોયા પછી બની હશે તેવું આજે આપણે ચોક્કસ પણે કહી શકીએ. મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામના વતની અને હાલ રાજકોટમાં વેબ ડીઝાઇનિંગ કરીને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા વિપુલભાઈ બોકરવાડીયા બાળપણમાં પોલિયો થવાથી તેમના પગ નિષ્ક્રિય થઇ ગયા હતા. વિપુલભાઇ પોતાના મિત્રો સાથે 10મી વખત ગિરનારની ચડાઇ કરીને લોકો માટે આદર્શ ઉદાહરણ પૂરુ પાડ્યું છે કે, દૃઢ મનોબળથી મુશ્કેલ કાર્ય પણ આસાન બની જાય છે.
2012માં પ્રથમ વખત શરૂ કરી ગિરનાર યાત્રા: વર્ષ 2012માં વિપુલભાઈએ પ્રથમ વખત સીડીઓથી ગિરનારને ચડવાનો પ્રયત્ન કર્યો. જેમાં ખૂબ મુશ્કેલીને અંતે સફળતા મળી પ્રથમ વખતના પ્રયાસમાં જે મુશ્કેલી પડી તે આવનારી નવ યાત્રાનું પ્રેરકબળ બની ગયું હતું. પાછલા 12 વર્ષમાં કોરોનાના 2 વર્ષને બાદ કરતા દર વર્ષે વિપુલભાઈ પૂનમના દિવસે આત્મબળે ગિરનારને સર કરવા માટે આવી રહ્યા હતા. આ વખતની તેમની આ યાત્રા અંતિમ છે. સતત વધતી જતી આયુને કારણે હવે આ પ્રકારનો પરિશ્રમ શરીરને આપવો યોગ્ય ન હોવાને કારણે તેઓ ખૂબ જ આત્મ સંતોષ સાથે 10મી વખત ગિરનારને સર કરીને તેમણે તેમની ગિરનાર અને માં જગદંબા પ્રત્યેની આસ્થાને અભિવ્યક્ત કરી છે. વિપુલભાઈ માને છે કે, કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે અશક્ત હોઈ શકે પરંતુ કોઈ પણ વ્યક્તિના મન અને આત્મા ક્યારેય વિકલાંગ હોતા નથી. બસ આ એક વિચારના લીધે તેઓ પાછલા 12 વર્ષથી સતત ગિરનારને સફળતાપૂર્વક સર કરી રહ્યા છે.
ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન: વિપુલભાઈ બોકરવાડિયાએ જ્યારે સતત ચોથી વખત દિવ્યાંગ વ્યક્તિ તરીકે ગિરનારને સર કર્યો ત્યારે તેમનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ સાતમી વખત જ્યારે વિપુલભાઈએ ગિરનારને સર કર્યો ત્યારે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે 10 વખતની તેમની ગિરનાર યાત્રા દરમિયાન તેઓ 8 વખત અંબાજી મંદિર સુધી અને 2 વખત ગુરુ દત્તાત્રેય ટૂંક સુધી જઈને અદમ્ય સાહસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની ગિરનાર પરની આ છેલ્લી યાત્રા ત્રિસંગમ સાથે પણ તેઓ ગણાવે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા મિત્રોનો સાથ અને સહકાર અને તેમાં સ્વયંનું આત્મબળ આ 3 જડીબુટ્ટીએ પાછલા 12 વર્ષથી તેમને ન માત્ર ગિરનાર ચડવા પર પ્રેરણા બળ પૂરું પાડ્યું. પરંતુ સફળતાપૂર્વક ગિરનારને સર કરવા માટે આત્મબળ પણ આપ્યું છે.
આ પણ વાંચો: