સુરત: કોસંબા તરસાડી બ્રિજની નીચે તરસાલી બાજુ આવેલી એક શોપિંગ સેન્ટરના ઓટલા પર ગર્ભ નાળ સાથે જોડાયેલી એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. આ નવજાત મૃત બાળકી અંગે સ્થાનિક લોકોએ કોસંબા પોલીસને જાણ કરતા કોસંબા પોલીસે આવી બાળકીનો કબજો લીધો હતો,અને તેને પોસ્ટમોર્ટમમાં મોકલી આપી હતી. તપાસમાં જાણવા મળ્યુ કે, નજીકમાં આવેલી હોસ્પિટલમાં આ નવજાત બાળકીની માતાએ ડીલેવરી બાદ સારવાર લીધી હતી, પોલીસે તેની માતાને શોધી કાઢી હતી. જેમાં તે કુવારી માતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેને તપાસ માટે નોટિસ આપી હાજર થવા જણાવ્યું છે.
બાળકીની માતા 22 વર્ષની: કોસંબા પોલીસે હોવાની તપાસ કરતા જાણવા મળ્યુ કે, નજીકમાં લાગેલા સીસીટીવીના આધારે નજીક એક હોસ્પિટલમાં તપાસ કરતા નવજાત બાળકીની માતાએ સારવાર કરાવી હોવાનુ સામે આવ્યું છે. આ બાળકીની અંકલેશ્વર પાસે એક ગામમાં રહે છે. આ બાળકીની માતા 22 વર્ષની છે, અને તે કુંવારી માતા બની હતી.
બાળકીને અધૂરા મહિને જ જન્મ આપ્યો: આ મહિલા કોસંબામાં કોઈના ઘરે બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી, અને ત્યારબાદ ત્યાં તેને પ્રસુતિની પીડા ઉપડી હતી. હોસ્પિટલમાં લઈ જતા પહેલા તે મહિલાએ દુકાનના ઓટલા પર જ બાળકીને અધૂરા મહિને જ જન્મ આપ્યો હતો. જેથી આ બાળકી કુપોષિત અથવા તેના ગળામાં ગર્ભ નાળ ભેરવાઈ જવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મૃત્યુ અંગેનું સાચું રહસ્ય જાણવા મળશે.
cctv ફૂટેજના આધારે માતાની ઓળખ: કોસંબા પોલીસ મથકના PI એમ. કે. સ્વામી એ જણાવ્યું હતું કે, બ્રિજ નીચે મૃત નવજાત બાળકી હોવાની જાણ થતાં જ અમારી ટીમ તરત જ સ્થળ પર દોડી ગઈ હતી. મૃત બાળકીનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નજીકના cctv ફૂટેજના આધારે જન્મ આપનાર બાળકીની માતાની ઓળખ થઈ ગઈ છે.