ખેડા: ગુજરાતમાં સારસ પક્ષીની સૌથી વધુ વસ્તી માતરના પરીએજ વેટલેન્ડમાં આવેલી છે. રાજ્યમાં સારસની કુલ વસ્તી અંદાજે 1800 થી 2000 છે. જેમાંથી મોટાભાગના પક્ષીઓ પરીએજ વેટલેન્ડ વિસ્તારમાં રહે છે. હાલ વર્ષ 2024 માટે ગત 21 જૂનના રોજ અહીં યોજાયેલી ગણતરીમાં કુલ 1431 સારસ પક્ષી નોધાયા છે. જેમાં ગત વર્ષ કરતા 177 સારસ પક્ષીનો વધારો થયો છે.
99 સ્વયંસેવકો દ્વારા 164 ગામોમાં યોજાઈ ગણતરી: માતર તાલુકાના પરિએજ ખાતે 2015થી UPL દ્વારા સારસના સંરક્ષણ અને જતન માટે સારસ કન્સર્વેશન પ્રોજેકટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત દર વર્ષે 21 જૂનના રોજ સારસ પક્ષીની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે 21 જૂનના રોજ ખેડા અને આણંદ જીલ્લાના 15 તાલુકાના 164 ગામોમાં 99 સ્વયંસેવકોની અલગ અલગ ટીમ દ્વારા સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી સારસની ગણતરી કરવામાં આવી હતી.
સારસની સંખ્યામાં વધારો જોવા મળ્યો: પરિએજ વેટલેન્ડ ખાતે UPL સારસ કન્સર્વેશન પ્રોજેક્ટ વર્ષ 2015 થી શરૂ કરાયો હતો. ત્યારે અહીં વર્ષ 2015માં સારસની સંખ્યા 500 હતી. જે બાદ UPL સંસ્થા દ્વારા ખેડૂતો સહિતના સમુદાયને સાથે રાખી પ્રોજેક્ટ શરૂ કરાતા તેના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. વન વિભાગ, UPL અને સમુદાયના સંયુક્ત પ્રયાસોને લીધે સારસની વસ્તીમાં વધારો થયો છે. અહીં સારસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2016માં 544, 2017માં 657, 2018માં 726, 2019માં 772, 2020માં 829, 2021માં 915, 2022માં 992, 2023માં 1254 હાલ ચાલુ વર્ષે 2024માં સારસ પક્ષીની સંખ્યા 1431 થવા પામી છે. જેમાં 141 જેટલા બચ્ચાનો પણ સમાવેશ થાય છે.
જાણો સારસ પક્ષી વિશે: સારસ પક્ષી હંમેશા નર અને માદાની જોડમાં જોવા મળે છે. તે વધારે ઉંચાઈએ ઉડતું પક્ષી છે. સારસ ઉત્તરપ્રદેશનું રાજ્ય પક્ષી છે. સમગ્ર દેશમાં બીજા ક્રમની સારસની વસ્તી ગુજરાતમાં છે. સારસ પક્ષી ભારતમાં લુપ્તપ્રાય પ્રજાતિ છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની રેડ યાદી અંતર્ગત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે. સામાન્ય રીતે તે ભીની એટલે કે વેટલેન્ડ્સમાં વસવાટ કરે છે તથા માનવી સાથેની જગ્યાને લઈ અનુકૂળતા ધરાવે છે. તે આહાર તથા સંવર્ધન માટે કૃષિ ક્ષેત્રો પર આધાર રાખે છે. સારસ પક્ષી જુલાઈથી ઓક્ટોબર માસમાં માળો બનાવે છે. વેટલેન્ડ્સના પ્રમાણમાં ઘટાડો થતા અને વર્તમાન આવાસ સંબંધિત સમસ્યા સારસની સંખ્યામાં ઘટાડો થવા પાછળના કેટલાક મુખ્ય કારણો પૈકી એક હોવાનું માનવામાં આવે છે.
UPL સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટના હેડ ડો.જતીદંર કોરે જણાવ્યું હતુ કે,વર્ષ 2016થી અહીંયા આ પ્રોજેક્ટ આરંભાયો છે. સારસ પક્ષીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂટ મુજબ રોજબરોજ સારસની ગણતરી કરાય છે અને એ બાદ મહિનાના અંતમાં સારસ પક્ષીની કુલ ગણતરી કરાય છે. અહીંયા સારસ પક્ષીને જાગૃતતા માટે જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત સારસની લાઈફ સાયકલ શું છે. તે વિશે સ્થાનિક અને મુલાકાતીઓને સમજાવવામાં આવે છે. આ સાથે સાથે ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા તેમજ વેટલેન્ડમાં આવતા મુલાકાતીઓને પણ સારસ પક્ષી માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. ગતરોજ નવમી સારસ વાર્ષિક ગણતરી હતી. ગ્રુપમાં ડિવાઇડ કરી નક્કી કરેલા રૂટ ઉપર અંદાજિત 164 ગામમાં આ કામગીરી કરવામાં આવી છે. જેમાં વોલેન્ટિયર્સે ફિલ્ડમાં ઉતરી ગણતરી કરી હતી. ગણતરી કઈ રીતે કરી શકાય તે માટે આગલા દિવસે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.