છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી નજીક આવેલા જયનારાયણ પેટ્રોલ પંપના ટેન્કરનો ડ્રાઈવર (રહે.સંખેડા તાલુકાના ઝરવાંણ ગામ) તરબદા ધવલભાઈ હસમુખભાઈ 7મી જુલાઇના રોજ વડોદરા મંજુસર જીઆઈડીસી ખાતેથી ટેન્કરમાં પેટ્રોલ ભરી પરત ફરી નસવાડી આવી પહોંચ્યો હતો. ત્યારે પેટ્રોલ પંપના માલિકે તેને ઓફીસમાં બોલાવી તેના પર 15લાખ રૂપિયાની પેટ્રોલ-ડીઝલ ચોરીનો આક્ષેપ લગાવી પેટ્રોલ પંપની ઓફિસમાં પૂરી દીધો હતો. અને ત્યાંથી એક ભૂરા કલરની ગાડીમાં બેસાડી બોડેલી પાસેના તાડકાછલા ગામે આવેલ નારાયણ જીનની એક રૂમમાં પૂરી દીધો હતો. ત્યારબાદ ત્રણ દિવસ ગોંધી રાખ્યો હતો.
ધવલ તરબદા પર ચોરીનો આરોપ મૂકી કપડાં ઉતારીને તેના પર પેશાબ કરી તાલીબાની સજા આપવામાં આવી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. ડ્રાઈવર ધવલ તરબદાના પરિવારજનો પાસે પેટ્રોલ પંપ માલિકે રૂપિયા 15 લાખ અથવા સોના ચાંદીના ઘરેણાં અથવા જમીન નામે કરવા કોરા કાગળ પર સહી કરાવી હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે.
ભાગીદારો દ્વારા ડ્રાંઇવરનું અપહરણ: આ સમગ્ર મામલે 2 દિવસ સુધી પરિવાર અને સમાજના લોકોએ ન્યાય માટે ધરણા પ્રદર્શન કર્યા બાદ નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. અને ટેન્કર ડ્રાઈવર ધવલ તરબદાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપના ભાગીદારો દ્વારા ડ્રાંઇવરનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. જેમાં હરીશકુમાર કંડાણી, ધિરાજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી અને પોપટભાઈ કંડાણી તમામ બોડેલીના રહેવાસી જેઓની સામે નસવાડી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છ. આ સાથે જ પેટ્રોલ પંપના માલિકે પણ ડ્રાઈવર ધવલ તરબદા સામે ફરિયાદ નોંધાવી છે.
બે ફરિયાદો નોંધાઈ: આ અંગે બોડેલીના એસ.પી ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, નસવાડી પોલીસ સ્ટેશનમાં ગઈ રાત્રે બે એફઆઈઆર રજીસ્ટર થઈ છે, પેટ્રોલ પંપ માલિક હરીશ કંડારીએ નોંધાવેલી ફરિયાદમાં છેલ્લાં છ મહિનામાં ટેન્કર ડ્રાઈવર ધવલ તરબદા જીઆઈડીસીમાંથી પેટ્રોલ અને ડીઝલની રસ્તામાં ચોરી કરી હોવાથી ખરીદી અને વેચાણમાં ઘટ પડી હોવા અંગે ચોરીની ફરિયાદ નોંધાવી છે. બીજી ફરિયાદ ટેન્કર ધવલ તરબદાએ કરી છે. જેમાં 8 જુલાઈના રોજ પેટ્રોલ પંપ માલિક સહિત ચાર ઈસમોએ ટેન્કર ડ્રાઈવરે ચોરી કરી હોવાના આરોપ લગાવી, ચારે આરોપીઓ બંધી બનાવી માર પિટ કરી, પૈસા વસૂલવાની કોશિશ કરી, ડ્રાઈવરના મોઢા પર પેશાબ કરી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.