સુરત: સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઇ છે. સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ, હારપિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી રેડ કરાઈ હતી. જેમાં રો-મટીરિયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
નકલી ફેક્ટરીનો પર્દાફાશઃ સુરતમાં વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે, જ્યાં જાણીતી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જેવા કે હાર્પિક અને ડેટોલ ડુપ્લીકેટ બનાવવામાં આવતાં હતા. ડેટોલના સાબુ, લીકવિડ અને હાર્પીકની ચીજવસ્તુઓનું નકલી ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. પોલીસે કંપનીની મળેલી માહિતીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ફેક્ટરીનો ભંડાફોડ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ દ્વારા પાડવામાં દરોડા દરમિયાન મોટી માત્રામાં નકલી ચીજવસ્તુઓ અને તે બનાવવા માટે વપરાતું રો-મટીરીયલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફેક્ટરી સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ચાલતી હતી, જે વધુ ચિંતાનો વિષય છે. આ ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની મંજૂરી વિના ચાલતી હતી. આ ઘટનાએ તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઊભા કર્યા છે અને આવા ગેરકાયદેસર કૃત્યો અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.