કચ્છ: પૂર્વ કચ્છના શિકારપુર ગામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું. જેમાં 120થી પણ વધુ પ્રાણઘાતક હથિયારો પોલીસે જપ્ત કર્યા છે. પૂર્વ કચ્છ પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન અને કોમ્બીંગ દરમિયાન પ્રાણઘાતક હથિયાર મળી આવ્યા હતા. ત્યારે પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે.
120 જેટલા હથિયારો ઝડપાયા: સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા શરીરસંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારના શિકારપુર આઉટપોસ્ટની હદમાં અગાઉ પણ હથિયારો ઝડપાયા છે.
પૂર્વ કચ્છ પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું: આ ઉપરાંત આ વિસ્તારમાં શરીરસંબંધી ગુનાઓ પણ અવારનવાર થયા હોય છે. ત્યારે આ વિસ્તારમાં હજુ હથિયાર હોવાની માહીતી આધારે ભચાઉ વિભાગના DYSP સાગર સાંબડાના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટર, LCB અને SOG તથા અંજાર-ભચાઉ વિભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કોમ્બિંગ હાથ ધર્યું હતું.
381 જેટલા સ્ટાફની ટીમ દ્વારા કરાયું કોમ્બિંગ: આ કામગીરીમાં 1 ડી.વાય.એસ.પી, 6 પોલીસ ઇન્સ્પેક્ટર, 22 પોલીસ સબ ઇન્સ્પેકટર, 245 પુરૂષ પોલીસ કર્મચારી, 53 મહિલા પોલીસ કર્મચારી, 54 GRD મળીને કુલ 381 પોલીસ અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ગામ વાઈઝ ટીમો બનાવી રાત્રીના સમયે એકી સાથે શિકારપુર, સુરજબારી, જશાપરવાંઢ, ચેરાવાંઢ વગેરે જગ્યાઓમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી.
ઝડપાયેલ આરોપીઓ
- શિકારપુરના 24 વર્ષીય આરોપી હનીફ રસુલ ગાયાના કબજામાંથી 2000ની કિંમતની દેશી બંદુક મળી આવતા તેની સામે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ 25 (1-બી) જી.પી.એક્ટ-135 મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
- ભચાઉના જશાપરવાંઢના 44 વર્ષીય દોસમામદ ઓસમાણ ત્રાણા ભચાઉ વાળાના કબ્જામાંથી 12 જેટલા 600 રૂપિયાની કિંમતના જીવતા કારતૂસ મળી આવ્યા છે.
- શિકારપુરના 44 વર્ષીય ઉમરદીન જુશબ ત્રાયાનામાંથી 3 જેટલા 150 રૂપિયાની કિંમતના જીવતા કારતૂસ મળી આવ્યા છે.
- શિકારપુરના 35 વર્ષીય રફીક હાજી અલ્લારખા ત્રાયાના કબ્જામાંથી બીયર મળી આવતા સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન કલમ 65 એએ,116 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
કોંમ્બિગ દરમિયાન મળી આવેલ હથિયારો
- ધારદાર છારી - 76
- ધારિયા -12
- તલવાર - 8
- લોખંડની ફરસી - 2
- છરા ધારિયા - 19
- લાકડાના હાથા વાળો ભાલો - 1
- એરગન - 3
- એલ્યુમિનિયમનો દંડો - 1
- આધાર પુરાવા વગરના વાહનો - 6
- એમ.સી.આર ચેક - 8
- શંકાસ્પદ શખ્સોની ચેકીંગ - 22