રાજકોટ: શહેરના લોહાનગર રેલવે ક્રોસિંગ નજીક ગોંડલ રોડ પર રહેતા એક બાળકનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી રાજકોર મ્યુનિસિપલ વિભાગનું આરોગ્ય વિભાગ હરકત આવ્યું હતું. જેમાં મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, તેમના ઘરે માછલી રાખવા માટે જે પાણી રાખ્યું હતું તેમાંથી તે ઇન્ફેક્શન લાગ્યું છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તરત જ ત્યાં આવેલ 448 ઘરમાં રહેતા 1710 લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમા ઝાડા-ઉલ્ટીના 6 કેસ જોવા મળ્યા છે, જેને સ્થળ પર જ સારવાર આપેલ હતી. અન્ય એકપણ શંકાસ્પદ કોલેરાના કેસ જોવા મળ્યો નથી. આ ઉપરાંત ORSના 182 પેકેટ, ક્લોરીન ટેબ્લેટના 5780 પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે.
મેડિકલ વાન દ્વારા દૈનિક મેડિકલ કેમ્પ: આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા તથા સ્વસ્છતા રાખવા જમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા IEC પ્રવૃત્તિ કરવામાં આવેલ હતી. સર્વે દરમ્યાન પીવાના પાણીના પાત્રોની સફાઈ કરવા માટે સુચના આપવામાં આવેલ છે. આ વિસ્તારમાં મોબાઈલ મેડિકલ વાન દ્વારા દૈનિક મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમજ સાફ-સફાઈ માટે SWM વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવી હતી. કોલેરાને અટકાવવા માટે લોકોએ શું તકેદારી રાખવી તેના ભાગરૂપે રાજકોટ શહેરની આરોગ્ય શાખા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.