અમરેલી: અમરેલી જિલ્લામાં ઘણા એવા યુવાઓ છે જેઓ ખેતી અને પશુપાલનના વ્યવસાય થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આ પંથકના યુવાઓ સારી નસલની ગીર ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓ રાખતા થયા છે અને દૂધ ઉત્પાદન થકી સારી એવી આર્થીક પ્રગતિ પણ કરી રહ્યાં છે. પ્રદીપભાઈ પરમાર પણ આવા જ એક પશુપાલક છે. જેમણે દૂધ ઉત્પાદનની સાથે દૂધાળા પશુઓના ખરીદ-વેચાણમાં કાઠું કાઢ્યું છે.
લીલડી ગીર ગાય: લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા નાના એવા રાફડા ગામે રહેતા 38 વર્ષીય યુવા પશુપાલક પ્રદીપભાઈ એક ગૌશાળા ધરાવે છે, જેમાં સારી નસલની ગીર ગાયો છે. જેમાંથી એક છે લીલડી ગીર ગાય. આશરે 6 ફુટની હાઈટ ધરાવતી અઢી વર્ષની આ ગાય રોજનું 10 લિટર દૂધ આપે છે. દૂધની કિંમત પણ પ્રતિલિટર 70 રૂપિયાથી 100 રૂપિયા મળી રહી છે.
4 લાખમાં વેંચી ગીર ગાય: હાલમાં ગર્ભવતી આ લીલડી ગાયને પ્રદીપભાઈએ 4 લાખ રૂપિયામાં દિલ્હીમાં વેંચી છે. પ્રદીપભાઈએ થોડા સમય પહેલાં જ એક ખેડૂત પાસેથી આ ગાયને ખરીદી હતી અને પોતાની ગૌશાળામાં લાવીને તેનો સારી રીતે ઉછેર કર્યો પરિણામે આ લીલડી ગાય અન્ય ગાયોની સરખમાણીમાં આજે ચડીયાતી અને સશક્ત લાગી રહી છે.
નાની વાછરડીઓની સારી રીતે માવજત કરીને પ્રદીપભાઈ તેમને ખુબ ઉંચા ભાવે વેચાણ કરે છે. આમ પ્રદીપભાઈ સારા નસલની ગીર ગાયોનું ખરીદ વેચાણની સાથે ગાયનું દૂધ અને ગાયનું ઘી બનાવીને પણ વેંચે છે અને મહિને લાખો રૂપિયાની કમાણી કરતા થયાં છે.
પશુપાલનના વ્યવસાય થકી લાખોની કમાણી: મહત્વપૂર્ણ છેકે, ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યા બાદ પ્રદીપભાઈએ ખાનગી ક્ષેત્રે નાની મોટી નોકરીઓ પણ કરી હતી, પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. આથી પ્રદીપભાઈએ તેમના પિતા દ્વારા રાખેલી ત્રણ ગીર ગાય થકી પિતાની સાથે પશુપાલનના વ્યવસાયમાં હાથ અજમાવ્યો અને ત્યાર બાદ ગુજરાતભરમાંથી તેમણે સારી ઓલાદ અને નસલની ગાયો અને વાછરડીઓ ખરીદવાનું શરૂ કર્યુ હતું. તેમની ગૌશાળામાં એક પ્રસિદ્ધ કોહિનૂર નામનો આખલો પણ છે.
દૂધાળા પશુઓનો અભ્યાસ: પ્રદીપભાઈએ શરૂઆતના સમયમાં ગુજરાત તેમજ હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોનો પ્રવાસ કરીને જાણ્યું કે, કેવા પ્રકારના પશુઓ પસંદ કરવા, કેવી રીતે પશુઓની સાર સંભાળ રાખવી વગેરે જેવી માહિતી મેળવી અને ત્યારબાદ પોતાના રાફડા ગામે પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી અને આજે તેઓ પશુપાલનની સાથે દૂધાળા પશુઓનું ખરીદ-વેંચાણ કરીને લાખો રૂપિયાની કમાણી કરીને અન્ય યુવાઓને પણ પ્રેરક ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે.